વલસાડ : મહારાષ્ટ્રના ખોબા NSS કેમ્પ માટે જઈ રહેલા સુરત SVNIT ના વિદ્યાર્થીઓ ભરેલી બસની ગોઝારો અકસ્માત નડ્યો છે. વલસાડ જિલ્લામાં ધરમપુરના સાદડવેરા ગામ નજીક ઘાટ પરથી ઉતરતા સમયે બસ અચાનક પલટી ગઈ હતી. અકસ્માતમાં ક્લીનર સહિત 26 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી : આ અંગે મળતી માહિતી અનુસાર સુરત SVNIT ના વિદ્યાર્થીઓ બે બસ ભરી NSS કેમ્પ માટે ધરમપુર-મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા ગામ ખોબા જઈ રહ્યા હતા. બપોરે ચાર વાગ્યાની આસપાસ બસ ધરમપુરના ગુંદીયા અને સાદડવેરા તરફ પસાર થઈ રહી હતી. ત્યારે સાદડવેરા નજીક વળાંકમાં બસચાલકને વળાંક નહીં કપાતા બસ ઘાટ પરથી સીધી નીચે ઉતરીને પલટી જવા પામી હતી. બસમાં સવાર ક્લીનર સહિત 26 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
26 લોકો ઈજાગ્રસ્ત : આ ઘટના અંગે 108 ને જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રથમ પિંડવળ ખાતે આવેલી સરકારી હોસ્પિટલ અને બાદમાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જ્યારે બે વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
![ગોઝારો અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-12-2023/20255916_1_aspera.jpg)
જીવલેણ સર્પાકાર રસ્તો : ઘટના અંગેની જાણકારી વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત અધિકારીઓએ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની મુલાકાત કરી તમામ વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછી અને તેમનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, ગુંદીયા નજીક આ અગાઉ પણ ઘાટ અને સર્પાકાર વળાંક રસ્તો હોવાને લઈને અકસ્માત સર્જાઇ ચૂક્યા છે. ત્યારે આજે સુરતની જાણીતી ઇન્સ્ટિટયૂટ SVNIT ના વિદ્યાર્થીઓ ભરેલી બસને ગંભીર અકસ્માત નડ્યો હતો.
બસની બ્રેક ફેલ થઈ ? લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું કે, બસચાલક રોડ અંગે ખૂબ સારી રીતે જાણકાર હતો. તે અગાઉ પણ ખોબા ખાતે બે થી ત્રણ વાર આવી ચૂક્યો છે. જેથી ચાલકથી ભૂલ થાય એવી કોઈ ક્ષતિ રહી નથી. પરંતુ ક્લીનરના જણાવ્યા મુજબ બસની બ્રેક ઢાળ ઉતરતા ફેલ થઈ જતાં ચાલકે બસ ઉપરનો કાબુ ગુમાવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.