વાપી : ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. મુંબઇ-અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના આ ટ્રેન પ્રોજેકટ હેઠળ હાલમાં વલસાડ જિલ્લાના ઝરોલી ગામે પહાડમાં ટનલ બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Gujarat Budget 2023 : 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે, મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મોટી ફાળવણી
ટનલનું કામ પુરજોશમાં: ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જે અંગે NHSRCL દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ વલસાડ જિલ્લાના વાપી નજીક ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે પહાડમાં ટનલ બનાવવામાં આવી રહી છે. અંદાજિત 350 મીટર લંબાઈની આ ટનલ માટે અત્યાર સુધીમાં 67 મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
અદ્યતન મશીનરીનો ઉપયોગ : ઝરોલી ગામ નજીક આવેલા પર્વતમાં બુલેટ ટ્રેન જે ટનલમાંથી પસાર થવાની છે. ત્યાં સુધી ટ્રેન વાયડકટ, પુલ પર આવ્યા બાદ આ બોગદામાંથી પસાર થશે. 350 મીટર લાંબી ટનલ બનાવવા અદ્યતન શારડી ધરાવતા વાહનો દ્વારા પહાડની અંદર માટી-પથ્થર તોડવામાં આવી રહ્યા છે. આ માટે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સ્કીલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે આ કામગીરી હાથ ધરાઈ રહી છે.
ગુજરાતની આ પ્રથમ ટ્રેન હશે : મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો કુલ 508 કિલોમીટર લાંબો રૂટ છે. આ રૂટ પર ટ્રેન તેજગતિથી દોડી શકે તે માટે પીલ્લર ઉભા કરવામાં આવ્યા છે. તો, રૂટ પર આવતી નદીઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જો કે પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ ટ્રેન હશે. એ જ રીતે ઝરોલી ગામ પણ એવું પ્રથમ ગામ બન્યું છે. જયાના પહાડમાં બનાવેલ બોગદામાંથી ટ્રેન આરપાર પસાર થશે. પ્રોજેકટ પૂર્ણ થયા બાદ આ નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હશે.
આ પણ વાંચો : Bullet Train Vapi Station: ગુજરાત ગેટ-વે નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરજોશમાં, જાણો વાપી સ્ટેશનની સ્થિતિ
સીમાચિન્હો અંકિત: હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લો અનેક સીમાચિન્હો અંકિત કરવાનો છે. કેમ કે ટ્રેન પ્રોજેકટ હેઠળ વાપી ગુજરાતનું અમદાવાદ મુંબઈ રૂટનું છેલ્લું તો મુંબઈ અમદાવાદ રૂટનું પ્રથમ ટ્રેન સ્ટેશન હશે. એજ રીતે અમદાવાદ બાદ તે ગુજરાતનું સૌથી લાબું અંદાજિત 1200 મીટરનું સ્ટેશન હશે. તો, આ જિલ્લાની જ દમણગંગા, પાર, કોલક જેવી બારે માસ વહેતી નદીઓ પર બનાવેલ બ્રિજ પરથી ટ્રેન પસાર થશે. જે ઝરોલી ગામની પર્વતીય ટનલ મારફતે બંને તરફ મુંબઈ ટૂ અમદાવાદનો પ્રવાસ પૂર્ણ કરશે. આ તમામ બ્રિજ-ટનલ-પિયર્સનું કાર્ય હાલ તેજગતિએ આગળ વધી રહ્યું છે.
દરિયામાં બનશે ટનલ : સૂચિત હાઈ સ્પીડ રેલ કોરિડોર મુંબઈમાં થાણે ક્રીકમાંથી પસાર થશે. આ વિસ્તાર ફ્લેમિંગો અને નજીકના મેન્ગ્રોવ્સ માટે સંરક્ષિત અભયારણ્ય હોવાથી, રેલ્વે ટ્રેક ટનલ દ્વારા દરિયાની અંદર બનાવવામાં આવશે, જેથી હાલની ઇકોસિસ્ટમને કોઈ ખલેલ ન પહોંચે. આ ટનલ ભારતની સૌથી લાંબી રેલ પરિવહન અને પ્રથમ under sea ટનલ હશે. ટનલ 13.2 મીટર વ્યાસ ધરાવતી એક જ ટ્યુબ હશે જે વિવિધ વિભાગોમાં NATM અને TBM બંને પદ્ધતિઓ દ્વારા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કુલ 508.09 KMના અંતરમાંથી 460.3 KM વાયડક્ટ હશે, 9.22 KM પુલો પર, 25.87 KM ટનલ મારફતે જેમાં 7 KM લાંબી અંડરસી ટનલ અને 12.9 KMનો રૂટ જમીનની નીચે કે પહાડમાંથી બનાવવામાં આવી રહ્યો છે.