દમણઃ કોરોનાના કહેર વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલન સાધી વલસાડ જિલ્લાનાં 7 હજાર જેટલા માછીમારોને વતનમાં લવાયા છે. આ તમામ માછીમારોને હોમકોરોન્ટાઇનમાં રહેવાની તાકીદ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે કરી છે, પરંતુ તે બાદ પણ કેટલાક ખલાસીઓ આ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી કરી કરયાણાની દુકાને ઠંઠા પીણાંની મોજ માણી રહ્યાં છે.
ઉમરગામ તાલુકાના નારગોલ બંદરે એક સપ્તાહમાં 80થી વધુ બોટોમાં સૌરાષ્ટ્રના મત્સ્યબંદર ઓખા, વેરાવળ, પોરબંદર અને માંગરોળમાંથી અંદાજિત 7 હજાર ખલાસીઓ આવ્યાં છે. બુધવારે પણ મોટી સંખ્યામાં ખલાસી માછીમારીઓને નારગોલ બંદર બ્રિજ નીચે બોટને લાંગરાવી ઉતારવામાં આવ્યાં હતા.
સૌરાષ્ટ્રના મત્સ્યથી બુધવારે નારગોલા બંદરે આવેલી 23 બોટ અને બીજી 4 બોટ મળી કુલ 27 બોટમાં 3000થી વધુ ખલાસી માછીમારોને નીચે ઉતારી ઉમરગામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામના સ્વાસ્થ્યની તપાસ કરાઈ હતી. આ તપાસમાં થર્મલ ગન થકી તેઓનું ટેમ્પરેચર માપી ખાંસી અને શરદીની તપાસ કરી તમામને 14 દિવસ સુધી ઘરમાં રહેવાની સૂચના આપી હાથ પર હોમ કોરોન્ટાઇનના સિક્કા મારી બસ મારફતે જે તે ગામોમાં સહી સલામત પહોંચાડવા રવાના કરાયા હતા.
જો કે, બોરલાઈ વિસ્તારના કેટલાક માછીમારો ભીલાડ નેશનલ હાઇવે નંબર 48 પર નરોલી બ્રિજ નીચે એક કિરાણા સ્ટોરમાં સોશિયલ ડિસન્ટસ અને હોમ કોરોન્ટાઇનના જાહેરનામાનો ભંગ કરી ખુલ્લેઆમ કિરાણા સ્ટોર પર ઠંડાપીણાંની મજા માણતા નજરે ચડ્યાં હતાં, ત્યારે, જો આ રીતે ખલાસીઓ બેદરકારી દાખવતા રહેશે અને ઘરે જઈને પણ હોમ કોરોન્ટાઇનનો ભંગ કરતા રહેશે, તો અત્યાર સુધી કોરોના મુક્ત રહેલો વલસાડ જિલ્લો કોરોનાગ્રસ્ત થતા વાર નહીં લાગે તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. આ માટે આરોગ્ય વિભાગે અને પોલીસ તંત્રએ કડકાઈ વાપરવી જરૂરી બની છે.