વલસાડઃ કાંઠા વિસ્તારમાં આવેલા ગામો દાંતી, કકવાડી, કોસંબા, દાંડીના માછીમારો બોટ લઈને માછીમારી કરવા ગયા હતા. વલસાડના કાંઠા વિસ્તારની આશરે 300 જેટલી બોટ દરિયામાં ગઈ હતી. પરંતુ ગુજરાત સહિત દેશમાં અચાનક લોકડાઉન થઈ જતાં મધદરિયે અટવાયા હતાં.
તેઓને આ સમગ્ર બાબતની જાણકારી મળતા આ તમામ બોટો પરત ફરી રહી છે. શુક્રવારે 40 બોટ પરત ફર્યા બાદ કોસંબા ખાતે વધુ પાંચ બોટ પરત આવી હતી. દરેક બોટમાં 10 જેટલા ખલાસીઓ સવાર હતા. જેને પગલે શનિવારે પરત આવેલી પાંચ બોટો પૈકીના 50 લોકોને આરોગ્ય વિભાગ તરફથી આવેલી પેરા મેડિકલ ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
આ તમામ 50 લોકોને હાલ બોટ નજીક જ કોરેન્ટાઈનમાં રખાયા છે. જિલ્લા એકેડમિક ઓફિસર મનોજ પટેલે જણાવ્યું હતું કે, તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી એક પણ વ્યકિતમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી. વલસાડ જિલ્લામાં 1112 જેટલી આરોગ્યની ટીમો જિલ્લામાં ફરીને કોરોના માટે સર્વે કરી રહી છે. 440 લોકોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.