- અંકલેશ્વરના પરિવારને ગુંદલાવ બ્રિજ નજીક કાળ ભટકાયો
- કાર બે વાર પલટી મારતા અંદર સવાર 2 બાળકીઓ સહિત 3ના મોત
- 4 ઇજાગ્રસ્તોને વલસાડની જુદી જુદી હોસ્પિટલ્સમાં ખસેડાયા
વલસાડ: અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફભાઈ પોતાની બહેન અને તેના બાળકો તેમજ અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં ગયા હતા. બેસણામાં હાજરી આપીને તેઓ રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રકને કાર ચાલક અલતાફે ટક્કર મારતા અલતાફે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
કારમાં 7 લોકો હતા સવાર
કારમાં સવાર અલ્તાફ, તસ્લિમબેન, મુશકાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. તેમની પાછળ જ આવી રહેલા તેમના અન્ય પરિવારજનો ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચોકી ગયા હતા. ઘટનાની જાણ 108 અને વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અંદાજે 4 જેટલા ઇજાગ્રસ્તોને હાલમાં વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.