દાદરા નગર હવેલી અને ગુજરાત સરકારના સયુંકત નાણાં 24 કરોડની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ પારડીથી સેલવાસ સુધીનો માર્ગ 1 જ વર્ષમાં ધોવાઈ ગયો છે. માર્ગમાં અનેક સ્થળે નાનામોટા તળાવો બની ચુક્યા છે. ડુંગરી ,અંબાચ, વેલવાગડ, પંડોર, કોલક નદી, કરવડ જેવા અનેક ગામોમાંથી પસાર થતાં આ રોડ ઉપર એટલી હદે ખાડા પડયા છે કે વાહનચાલકોને પોતાનું વાહન ક્યાં ચલાવવુ તે બાબતે પણ મુંઝવણ ઉભી થાય છે.
વરસાદી પાણી ખાડામાં ભરેલું રહેતું હોવાથી ખાડાની ઊંડાઈનો અંદાજના આવતા અનેક વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે અનેક લોકોની ફરિયાદ છતાં માર્ગમાં કોઈ સ્થળે રીપેરીંગ કાર્ય કરાયુ નથી. આજ માર્ગનો ઉપયોગ સાંસદ સહિત ધારાસભ્ય પણ કરતા હોય છે પણ તેઓને આ ખાડા ઉડીને આંખે વળગતા નથી જેના કારણે માર્ગની હાલત દિન પ્રતિદિન બગડી રહી છે. સાથે સાથે વાપીથી રાતા ખાડી સુધીના માર્ગ જે આ સેલવાસ જતા માર્ગને જોડે છે તેની સ્થિતિ તો એટલી હદે કથળી છે કે વાહન ચાલકોને વાહન ચલાવવા માટે રોડ શોધવો પડે છે એટલી હદે ખાડા પડી ગયા છે.
નોંધનીય છે કે, લોકોની માગ છે કે, જે કોટ્રાક્ટર દ્વારા આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હોય તે કોટ્રાક્ટર દ્વારા ત્રણ વર્ષમાં જો રોડને કોઈ ક્ષતિ પહોંતે તો તેનું નવીનીકરણ કાર્ય કરવું જોઈએ એવી માગ ઉઠી છે. આ માર્ગનો ઉપયોગ સેલવાસ કે વાપી જવા માટે કરતા અનેક વાહન ચાલકોની માગ છે કે રોડ તાત્કાલિક રીપેર કરવામાં આવે.