વાપી: વલસાડ જિલ્લા પોલીસે વાપી ભાજપના નેતાની હત્યા કરાવનાર અને શાર્પ શૂટરોને મદદ કરનાર 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે હત્યા કરનાર 3 શાર્પ શૂટર પૈકી 2ની ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી ધરપકડ કરી વલસાડ લાવવામાં આવ્યા છે.
19 લાખમાં સોપારી લઈ હત્યા: પકડાયેલ બન્ને આરોપીઓના નામ વૈભવ હરિરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગૌન્ડ છે. જેઓએ હાલમાં ફરાર આરોપી અજય યાદવ સાથે મળી વાપી ભાજપના નેતા શૈલેષ પટેલની 19 લાખમાં સોપારી લઈ હત્યા કરી હતી. જે બાદ તેઓ બિહાર-ઝારખંડ નાસી ગયા હતાં. જ્યાં ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસે ફાયર આર્મ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. જે બંને શાર્પ શૂટરોનો ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ પોલીસે કબ્જો લઈ ધરપકડ કરી છે.
" આ બન્ને આરોપી સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી, હથિયારોની હેરાફેરી જેવા ગુન્હા નોંધાયેલ છે. અને જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. પકડાયેલ બને આરોપીઓ આઝમગઢની D-16 ગેંગના સભ્યો છે. જેઓ કોલસાના વેપારીઓ, ફાયનાન્સર, ડોકટર, બિઝનેસમેનને ફોન કરી ખંડણી વસુલ કરે છે. અને ખંડણી આપવા ઇન્કાર કરે તેના ઉપર ફાયરિંગ કરી તેને ડરાવી ધમકાવી ખંડણી વસુલે છે. જે કેસમાં વોન્ટેડ હોય મુંબઈમાં રહેતા હતા. ત્યારે ત્રણેયનો પરિચય સોનુસિંગ મારફતે અજય ગામીત અને વિપુલ પટેલ સાથે થયો હતો. જેઓએ તેમને શૈલેષ પટેલ સાથે ચાલતી અંગત અદાવતમાં હત્યા કરવા 19 લાખની સોપારી આપી હતી." - ડૉ. રાજદીપસિંહ ઝાલા, વલસાડ SP
આરોપી સામે 36 ગુના: પકડાયેલ વૈભવ યાદવ નામના શાર્પ શૂટર પર ઉત્તરપ્રદેશના આઝમગઢ, મધ્યપ્રદેશના નર્સિંગપુર ઝારખંડના ધનબાદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 36 જેટલા ગુના નોંધાયેલ છે. તે D-16 અને અમનસિંઘ ગેંગનો સભ્ય છે. B. A. સુધી અભ્યાસ કરનાર વૈભવના પિતા હોમિયોપથી ડોકટર છે. માતા આઝમગઢ કોર્ટમાં કારકુન છે. દિનેશ ગૌન્ડ સામે ઝારખંડ, આઝમગઢ પોલીસ મથકમાં ગુના નોંધાયેલ છે. તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે. પરિણીત છે. તેના પિતા આઝમગઢમાં સાયકલ સ્ટેન્ડનું પાર્કિંગ ચલાવે છે. જ્યારે વોન્ટેડ આરોપી અજય યાદવ સામે પણ આઝમગઢ, ગાજીપૂરમાં 17 જેટલા ગુના નોંધાયેલ છે.
કુલ 10 આરોપીઓની ધરપકડ: વલસાડ પોલીસે શૈલેષ પટેલની હત્યા પ્રકરણમાં અગાઉ હત્યા કરાવનાર કોચરવા ગામના વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, અજય ગામીત, સત્યેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતાં. જે બાદ તેમને મદદગારી કરનાર નિલેશ આહીર, મિલન પટેલ, પરીક્ષિત આહીર ની ધરપકડ કરી તેમને પણ જેલ હવાલે કર્યા છે. અને હવે હત્યા કરનાર 2 શાર્પશૂટરોની ધરપકડ કરી કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે.
હત્યાનું રિકન્સ્ટ્રક્શન: હત્યા કરનાર બન્ને શાર્પશૂટરોને મિતેષ પટેલ, વિપુલ પટેલે તેમની પંડોર ખાતેની વાડીમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જે ધ્યાને લઇ વલસાડ જિલ્લા પોલીસે શનિવારે બન્ને આરોપીને તે વાડીમાં લઈ જઈ તેમજ જે શિવ મંદિર નજીક શૈલેષ પટેલ પર ફાયરિંગ કરી હત્યા કરી હતી. તે શિવમંદિરે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ.
શાર્પશૂટરોની ગેંગમાં 50 સભ્યો: આરોપીઓને પકડવા માટે વલસાડ પોલીસે LCB, SOG અને ડુંગરા પોલીસ મથકની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેમને ઉત્તરપ્રદેશની STF, ક્રાઇમ બ્રાન્ચ, ધનબાદ પોલીસ દ્વારા પણ મદદ પુરી પાડી આ ઓપરેશનમાં સંયુક્ત તપાસનો સહકાર આપ્યો હતો. પકડાયેલ બન્ને શાર્પ શૂટરો પૈકી વૈભવ યાદવ, દિનેશ ગૌન્ડે શરૂઆતમાં સચિન પાંડે નામના સ્કૂલ મિત્ર સાથે ગેંગ બનાવી હતી. જેમાં 22 સભ્યો હતા. એક પોલીસ સાથેની અથડામણમાં સચિન પાંડેનું મોત નિપજ્યા બાદ અને જેલમાં અજય યાદવ સાથે મુલાકાત થયા બાદ અમનસિંગની ગેંગના સભ્ય બન્યા હતાં. જે ગેંગમાં હાલ આવા 50થી વધુ શાર્પશૂટરો કામ કરી રહ્યા છે.