- વલસાડના ઉમરગામ તાલુકામાં 18 રસ્તાનું થશે નવીનીકરણ
- રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તમામ રસ્તાનું કર્યું ખાતમુહૂર્ત
- પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધા આપવા સરકાર કટિબદ્ધઃપ્રધાન
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા, દહાડ, ભાઠી, તુંબ અને સંજાણ ગામો ખાતે રૂ. 4.06 કરોડના ખર્ચે 18 રસ્તાઓનું નવીનીકરણ થશે. આ કામગીરીનું રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, જ્યાં માનવી ત્યાં સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યનું કોઈ પણ ફળિયું પાકા રસ્તાથી વંચિત ન રહે અને દરેક પરિવારોને પાકું ઘર મળે તે માટે સરકાર સતત ચિંતા કરી રહી છે. આજે ખાતમુહૂર્ત કરાયેલા રસ્તાઓના નવીનીકરણથી આ વિસ્તારના રહીશોને સરળતાપૂર્વક આવાગમનની નવી સુવિધા ઉપલબ્ધ બનશે.
રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધઃ પાટકર
રાજ્યના તમામ નાગરિકોને પ્રાથમિક અને આંતર માળખાકીય સુવિધાઓ મળી રહે અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. સમગ્ર રાજ્યમાં શ્રેણીબદ્ધ વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ દરેક વિસ્તારોમાં અનેક કામો થઈ રહ્યા છે.
સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રધાનનો અનુરોધ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને એના થકી ખેડૂતની આવક બમણી કરવા રાજ્ય સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. નલ સે જલ કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લાના કુટુંબોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે પૂરતું આયોજન કરાયું છે. કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરૂં પાડી માનવીય કાર્ય કર્યું છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.