- મ્યુકરમાઈકોસિસના વલસાડ જિલ્લામાં 17 એક્ટિવ કેસ
- અન્કન્ટ્રોલ્ડ ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ આ રોગના ભરડામાં
- આ રોગમાં નાકમાંથી લોહી પડવું તેમજ વારંવાર શ્વાસ લેવામાં તકલીફ થવી
વલસાડ: જિલ્લામાં જ્યાં હજુ કોરોનાના દર્દીઓની સંખ્યામાં મહદઅંશે ઘટાડો નથી નોંધાયો ત્યાં વધુ એક બીમારીએ ધીરે રહીને પગપેસારો કર્યો છે. કોવિડની સારવારને લીધા બાદ સાજા થયેલા દર્દીઓને આ રોગનો ખતરો વધી જાય છે. કારણ કે, કોરોનાને મ્હાત આપીને સાજા થઇ ઘરે પહોંચેલા દર્દીઓએ સારવાર દરમિયાન લીધેલા સ્ટેરોઈડના ઇન્જેક્શન અન્કન્ટ્રોલ્ડ ડાયાબીટીસ અને ઇમ્યુનીટી ઓછી હોવાને કારણે ફૂગજન્ય રોગ ઝડપથી ફેલાય છે અને 24 કલાકમાં તો દર્દીને મગજ સુધી અસર કરી દે છે.
શું છે આ રોગના લક્ષણો
વલસાડ શહેરના ખાનગી હોસ્પિટલના કાન, નાક અને ગળાના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર મિતેશ મોદીના જણાવ્યા મુજબ આ રોગનું જેમ બને તેમ જલ્દી નિદાન થાય તે ખૂબ જરૂરી છે. કારણ કે, 24 કલાકમાં આ રોગ મગજ સુધી પહોંચી જતો હોય છે. આ રોગના દર્દીને પ્રારંભિક તબક્કે નાકમાંથી લોહી પડવું, વારંવાર શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળુ સુકાવુ, આંખનો ડોળો સુજી જવો, જેવા લક્ષણો જણાય કે તુરંત જ તબીબ પાસે જઈ તપાસ કરાવવાની જરૂર રહે છે. કારણ કે, જો કોઈપણ દર્દી તેમાં ઢીલાશ દાખવે તો 24 કલાકમાં દર્દીને આંખો ખોવાનો વારો આવે છે.
આ પણ વાંચો: મ્યુકોરમાઇકોસીસથી બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ મોત
કેવા લોકોને થઈ શકે છે મ્યુકરમાઈકોસિસ રોગ
તબીબના જણાવ્યા અનુસાર જેમનો ઈમ્યુનિટી પાવર ઓછો હોય, ડાયાબિટીસ વધુ પ્રમાણમાં એટલે કે જેમને ડાયાબિટીસ 400 થી 500 સુધી રહેતો હોય તેમજ કોરોનાની સારવાર દરમિયાન જેમણે સ્ટેરોઈડ જેવા વધુ પ્રમાણમાં ઈન્જેક્શન લીધા હોય એવા દર્દીઓને મ્યુકરમાઈકોસિસ થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. જેથી, આવા દર્દીઓએ ખૂબ જ તકેદારી રાખવી જોઈએ અને બને ત્યાં સુધી સરકારના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.
મ્યુકરમાઈકોસિસની સારવાર ખૂબ જ ખર્ચાળ
મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટે એન્ટી ફંગલ ઇન્ફેક્શન હાલ ભારતમાં એકમાત્ર ઉપલબ્ધ છે. લાઈફોસમલ એન્ફોટેરિયમ નામનું 50 મિલીનું આવતા એક ઇજકેશનની કિંમત 3થી 4 હજાર રૂપિયા છે અને રોજિંદા આવા 6થી 7 ઇન્જેક્શન દર્દીઓને આપવાના થતા હોય છે. એટલે કે એક દિવસનો ખર્ચો 20થી 30 હજાર રૂપિયા માત્ર ઇન્જેક્શનો થાય છે. જ્યારે, અન્ય દવાઓ અને સારવારનો ખર્ચો તે દર્દીઓએ અલગ આપવાનો હોય છે. એટલે કે આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ છે. સાથે જ એકવાર આ રોગ થયા બાદ દર્દીએ પોતાની આંખો ગુમાવવાનો વારો આવે છે.
આ પણ વાંચો: કોરોનાનો જંગ જીત્યાં પછી પણ જીવન સામે ખતરો બની રહ્યું છે ફૂગથી થતું બ્લેક ફંગસ ઇન્ફેક્શન
વલસાડમાં મ્યુકરમાઈકોસિસના 17 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મનોજ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 17 જેટલા મ્યુકરમાઈકોસિસ રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં, 2 કેસ વાપીની ખાનગી હોસ્પિટલમાં જ્યારે, 5 કેસ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં તો 10 જેટલા કેસ વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે, બીજી તરફ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકરમાઈકોસિસ માટે એક વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. તેમજ સારવાર લેવા આવનાર દર્દીઓ માટે પણ ઇન્જેક્શનો મંગાવવા માટેની દરખાસ્ત કરાઈ છે.