વલસાડ જિલ્લાના વાપી નજીક કરમબેલા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મંગળવારની સવારે 4 વાગ્યા આસપાસ વાપીથી મુંબઇ તરફ ફાસ્ટ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમ્યાન રેલવે ટ્રેક પર પસાર થતી અથવા તો લીલો ચારો ચરતા 20થી વધુ પશુઓ ફાસ્ટ ટ્રેનની અડફટે આવી ગયા હતા જેમાં 15 પશુના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા. અન્ય બે પશુઓના નેશનલ હાઇવે પર વાહન અડફેટે મોત નિપજ્યા હતાં.
![રેલવે સ્ટેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4333199_cows.jpeg)
આ અરેરાટી જનક અકસ્માતમાં 4 પશુઓ ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક નજીક પડી રહ્યા હતા અને એક પશુ સહયોગ હોટલ નજીક રોડ કિનારે બે ગાય ઘાયલ હાલતમાં મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે કરમબેલા રેલવે સ્ટેશન માસ્ટરે વાપી RPFને જાણ કરી હતી. રેલવેની RPF ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત પશુઓ અને મૃત પશુઓ અંગે જીવદયા સંસ્થાને જાણ કરી હતી. જે બાદ જીવદયા સંસ્થાએ ઘાયલ પશુઓને વાપીની પાંજરાપોળમાં સારવાર માટે ખસેડયા હતાં.
![રેલવે સ્ટેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4333199_cow.jpeg)
આ ગંભીર અકસ્માતમાં કુલ 17 ગાય-બળદના મોત નિપજ્યા હોવા છતાં તેમના કોઈ માલિક ફરક્યા નહોતા તે જોતા તમામ પશુઓ નધણીયાતા પશુઓ હોવાનું અનુમાન લગાવી આગળની કાર્યવાહી રેલવે વિભાગ અને જીવદયા પ્રેમીઓએ હાથ ધરી હતી. જો કે સવારની આ ઘટના અંગે વાપી રેલવે RPF પાસે પણ જાણકારી ઉપલબ્ધ ના હોવાનું ટેલિફોનિક દ્વારા જાણવા મળ્યું હતું.