વાપી: વાપી, દમણ, સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા દર વર્ષે તેમની કર્મભૂમિ પર જ છઠપૂજાની ઉજવણી કરવામાં આવે છે. વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના કાંઠે છઠ પર્વને લઈને નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું છે. આજે રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત છઠ્ઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કરશે.
આજે છઠ્ઠ પર્વ: આ અંગે છઠ પૂજા માટે વિશેષ આયોજન કરનાર નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુગ્રહ સિંઘાનિયાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તો છેલ્લા 16 વર્ષથી છઠ્ઠી મૈંયાની ઉજવણીની વ્યવસ્થાપૂર્વકનું આયોજન કરે છે. વર્ષો વર્ષ છઠ પર્વમાં નદી કિનારે છઠ્ઠ વ્રતધારીઓ અને છઠ્ઠી મૈયામાં આસ્થા ધરાવનાર ભક્તોનો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. વાપી, દમણ, સેલવાસમાં નદી કાંઠે ઉજવણી કરશે. વાપીમાં હરિયા પાર્ક ખાડી, દમણ ગંગા ખાડી, રાતા ખાડી એ ઉપરાંત દમણના દરિયા કિનારે અને દાદરા નગર હવેલીના સેલવાસમાં દમણ ગંગા રિવરફ્રન્ટ સહિતના વિવિધ સ્થળોએ લાખો ઉતર ભારતીય પરિવારો સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ પર્વની ઉજવણી કરે છે. આ કઠીન પર્વ માટે નદી કિનારાના ઘાટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આયોજકો દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
દોઢ લાખ લોકો કરશે પૂજા: મહિલાઓ અને પુરુષો છઠ્ઠીમૈયાની ભક્તિ ભાવપૂર્વક પૂજા પાઠ કરી શકે તે માટે સેવાધારીઓ દ્વારા દસ દિવસ પહેલાથી જ ઘાટની સાફ-સફાઈ સહિતની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. આ પર્વ સવાર-સાંજનું પર્વ હોય તેને ધ્યાનમાં રાખીને લાઇટિંગની વ્યવસ્થા, દૂધ, પાણી અને જરૂરી સામગ્રીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. હેલોજન લાઈટના ટાવર ઉભા કરવાની સાથે ચુસ્ત સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ વ્યવસ્થા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એક ઘાટ પર અંદાજિત 35,000 થી વધુ લોકો છઠ્ઠી મૈયાની પૂજા કરવા માટે ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. આ પ્રમાણે ત્રણેય ઘાટ મળીને અંદાજિત દોઢેક લાખ લોકો આ છઠ પૂજામાં સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે.
છઠ પર્વ વિશે માન્યતા: આ દિવસે સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું: કહેવાય છે કે, સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના કરી હતી. ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું. ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે. અને મહિલાઓ સવારે-સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે. માથે શણગારેલી ટોપલીમાં કેળા, પપૈયા સહિતના ફળો કંકુ-ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ઘ્ય અર્પણ કરી ઘર-પરિવાર સમાજ અને દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે.