- ખાનપુર ગામમાં 47 દર્દીઓ કોરોનાં પોઝિટિવ મળી આવ્યા
- ગ્રામજનોએ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું
- ગામમાં અવર-જવર પર કડક નિયંત્રણ લાદવામાં આવ્યું
વડોદરાઃ શહેર નજીક ખાનપુર ગામમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 47 દર્દીઓ મળી આવતા ગ્રામ પંચાયત દ્વારા ગામના 7 મોટા મંદિરો અને 3 મોટી દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગામમાં અવર-જવર પર કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. જ્યારે લોકોની અવર-જવર પર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
![ખાનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-02-khaanpur47corona-avb-rtu-gj10042_18032021140723_1803f_1616056643_895.jpg)
ખાનપુર ગામમાં 47 કોરોનાના દર્દીઓ મળી આવ્યા
વડોદરા શહેર નજીક સેવાસી નજીક આવેલા ખાનપુર ગામમાં 1450 લોકોની વસ્તી ધરાવે છે. જે ગામમાં 8 માર્ચ થી 17 માર્ચ સુધીમાં 10 દિવસના સમયગાળામાં 47 કોરોનાના દર્દીઓ મળી આવતા ગામજનોમાં ફફડાટ ફેલાયો હતો. 47 દર્દીઓ પૈકી 43 દર્દીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 04 દર્દીઓને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધતા કોરોનાના કેસને લઇને ગ્રામ પંચાયત દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા
ખાનપુર ગામમાં ઝડપભેર ફેલાઇ રહેલા કોરોનાને રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. તેવું જણાવતા ગામના સરપંચ પ્રિતેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગામના 7 મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર ભગવાનની પુજા અર્ચના કરશે. જ્યારે ગામની મોટી 3 દુકાનો જયાં ચીજવસ્તુઓ લેવા માટે લોકોની ભીડ એકઠી થાય છે. આ ત્રણેય દુકાનો હાલ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ગામમાં અવર-જવર પર કડક નિયંત્રણો લાદી દેવામા આવ્યા છે. આ સ્થિતિ અંગેની જાણ જિલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવી છે. તેઓ દ્વારા પણ સેમ્પલના ચેકીંગની સંખ્યા વધારી દેવામાાં આવી છે.