વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પી.એ. કમ ડ્રાઈવર વિજય પરમારનું કોરોનાના કારણે તાજેતરમાં અવસાન થયું હતું. અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે બુધવારના રોજ નવા 121 કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 8185 ઉપર પહોંચ્યો છે. આ સાથે વધુ 1નું મોત થતા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 142 થયો છે. વડોદરામાં 144 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6455 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1587 એક્ટિવ કેસ પૈકી 153 દર્દી ઓક્સિજન ઉપર અને 56 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1378 દર્દીની હાલત સ્થિર છે.