- વડોદરા યુથ કોંગ્રેસે રાષ્ટ્રીય યુવા દીને યોજ્યો સાંસદના ઘેરાવોનો કાર્યક્રમ
- શહેર પ્રમુખ સહિત 15 કાર્યકરોની ધરપકડ
- ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
- યુવાઓ - બેરોજગારોને નોકરી આપવા માંગ કરી
વડોદરા : સમગ્ર રાજ્યમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા નિઝામપુરામાં રહેતા સાંસદના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
પોલીસ સાથે નજીવા ઘર્ષણ સહિત ખેંચતાણના દ્રશ્યો સર્જાયા
સાંસદ રંજનબેન ભટ્ટનો ઘેરાવ કરવાના કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ અસ્પાક મલેકની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાંસદના ઘર બહાર પહોંચી ગયા હતા. પરંતુ કાર્યકરો સાંસદના ઘરે હલ્લાબોલ કરવા જાય તે પહેલા જ પોલીસે તમામ 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જેને લઈને નજીવા ઘર્ષણ અને ટીંગાટોળીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ અસફાક મલેક સહિત કાર્યકરોની અટકાયત થતા જ તમામે બેકારી દૂર કરો યુવાઓને રોજગારી આપો, બેરોજગારોને રોજગારી આપો સહિતના નારા લગાવ્યા હતા. હાલ તો પોલીસે યુથ કોંગ્રેસ અગ્રણી સહિત કાર્યકરોની અટકાયત કરતાં તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.