ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં મહુવા ડુંગળીનું પીઠું કહેવામાં આવે છે. ત્યારે મહુવા યાર્ડ દ્વારા એક જાહેરજાણ પત્ર જાહેર કરીને વેપારી અને કમિશન એજન્ટને મીઠી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરાયો છે. જાહેરજાણ પત્રમાં યાર્ડના તંત્રએ કેમ એમ લખ્યું જાણો...
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની સૌથી વધારે આવક થાય છે, ત્યારે ડુંગળીમાં ભાગ પાડવાના મુદ્દાને લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર જાણ પત્ર રજૂ કરીને મીઠી ભાષામાં વેપારી અને કમિશન એજન્ટ ભાઈઓને ચીમકી આપવામાં આવી છે. શા માટે આપવામાં આવી આ પ્રકારની ચીમકી ચાલો જાણીએ.
![મહુવા માર્કેટ યાર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/rgjbvn02yardmahuvapatraphotochirqg7208680_11022025112247_1102f_1739253167_1062.jpg)
જાહેર જાણ પત્રમાં શું કહ્યું?
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા એક જાહેર જાણ હેતુ પત્ર રજૂ કરવામાં આવ્યો છે કે, હરાજીમાં ખરીદનારે અન્ય ખરીદનાર વેપારી સાથે ભાગ ન પાડવો, તેમજ કમિશન એજન્ટ ભાગ ના પાડી આપવા તથા એવું કરતાં કોઈ વેપારી કે એજન્ટ પકડાશે તો કોઈપણ નોટિસ આપ્યા વગર લાયસન્સ અને મંજૂરીપત્ર રદ કરવામાં આવશે.
કોણ કરી શકશે ખરીદી? નહીં ચાલે બહાના...
મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા રજુ કરવામાં આવેલા જાહેર જાણપત્ર વેપારી અને કમિશનને એજન્ટને લઈને રજુ કરાયા છે. જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, હરાજીમાં જે વ્યક્તિ ઊભો હશે. તે જ વકકલની ખરીદી કરી શકશે. પાછળથી ગાડીમાં ઘટતું હતું અને ભાગ પાડેલું છે, તેવી કોઈ પણ પ્રકારની દલીલબાજી બહાનાબાજી ચલાવવામાં આવશે નહીં તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.
![માર્કેટ યાર્ડના તંત્રએ આપી મીઠી ભાષામાં ચીમકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/rgjbvn02yardmahuvapatraphotochirqg7208680_11022025112247_1102f_1739253167_215.jpg)
ચેરમેને શું કહ્યું પત્ર અંગે
મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર જાણપત્ર રજુ કર્યા બાદ યાર્ડના ચેરમેન ગભરુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, એક વેપારી હરાજીમાં એક લોટની ખરીદી કરે છે અને ત્યારબાદ બીજા વેપારી સાથે મળીને તેના ભાગ પાડી લે છે. જેથી હરાજી આગળ ચાલતી નથી અને ભાવ ખેડૂતને મળતા નથી. જેથી ખેડૂતોને નુકસાન જાય છે. જોકે આજદિન સુધી આવું પકડાયું નથી પણ જાણવા મળતા જ જાહેર જાણ માટેનો ખાલી પત્ર અપાયો છે.
![લાલ ડુંગળીની માર્કેટમાં આવક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/rgjbvn02yardmahuvapatraphotochirqg7208680_11022025112247_1102f_1739253167_221.jpg)
યાર્ડમાં સફેદ ડુંગળીની વધશે આવક
યાર્ડના ચેરમેન ગભરુભાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરતા ડુંગળીની આવકના લઈને તેમને જણાવ્યું હતું કે, સફેદ ડુંગળીની હાલમાં 80,000 ગુણીની આવક છે અને લાલ ડુંગળીની 90,000 ગુણીની આવક છે. સફેદ ડુંગળીમાં ભાવ 250 થી 300 વચ્ચે રહ્યા છે, જ્યારે લાલમાં 400 થી 550 વચ્ચે રહેવા પામ્યા છે. જો કે આવક ચોમાસા સુધી રહેશે. આગામી દિવસોમાં સફેદ ડુંગળીની આવક વધશે જે 2 લાખ ગુણી સુધી પહોંચી જાય છે. હજુ પંદર કે વીસ દિવસ બાદ વેપારીઓની સફેદ ડુંગળીની ખરીદી શરૂ થશે. જોકે આ ખરીદી 200 થી 215 વચ્ચે ભાવ સફેદ ડુંગળીના રહેતા હોય ત્યારે થતી હોય છે.