વડોદરાઃ શહેરના વારસિયા સુદામાનગરમાં રહેતો ભેજાબાજ મુકેશ લક્ષ્મણદાસ બેલાણી અને સાગરીત મનીષ શકન સાલવાની ચિલ્ડ્રન બેંકની ડમી નોટોના બંડલો સાથે રાખી કોઈપણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાના બદ ઈરાદે એક્ટિવા પર ફરી રહ્યાં છે. હાલ બંને ગઠિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલી જગદીશ ફરસાણની દુકાન પાસે ઉભા છે, આવી બાતમી SOGના ASI શાંતિલાલને મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ઠગ મુકેશ તથા મનીષને ઝડપી પાડ્યા હતા.
પોલીસને બંને આરોપી પાસેથી 500ના દરની ડમી નોટના 127 બંડલ તથા અસલી ચલણી નોટોના રોકડા રૂપિયા 44,500 મળ્યા હતા. પોલીસે બંને ઠગ પાસેથી 2 મોબાઈલ ફોન, એક્ટિવા અને રોકડ મળી રૂપિયા 75,200નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. પોલીસ અધિકારીએ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યું હતું કે, મુકેશ અને મનીષ સાંજના સમયે ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ બનાવે છે, ત્યારબાદ રૂપિયા 8 લાખમાં 1 કરોડ રૂપિયા ભરેલો થેલો આપવાનો છે. તેવી માયાજાળ રચી વ્યક્તિને ફસાવે છે. તે પછી તેને વિશ્વાસમાં લેવા પોતાની પાસેના થેલાની ચેઈન ખોલી 500ના દરની 1 કરોડની નોટો રાખી છે તેવી પ્રતિતિ કરાવે છે. જો કોઈ વ્યક્તિ આરોપીની જાળમાં સપડાય જાય તો તેઓ અસલ રૂપિયા લઈ 1 કરોડની ડમી નોટ ભરેલો થેલો આપીને સ્થળ પરથી ભાગી જાય છે. આ જ મોડસ ઓપરેન્ડીથી બંનેએ અગાઉ 8 લાખનું ચિટીંગ કર્યું હતું.