વડોદરા : વરસાદની ઋતુ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો નિવાસ કરે છે. વરસાદની સીઝનમાં મગર માનવ વસવાટ તરફ આવે છે, તે કોઈ નવાઈની વાત નથી. કારણ કે વડોદરાએ મગર નગરી તરીકે પણ જાણીતી છે. અવાર નવાર વિશ્વામિત્રી અને કોતરોમાંથી મગરો બહાર આવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ગત રોજ વિશ્વામિત્રી નદીમાંથી 2 ફૂટનો મગર બાજુમાં આવેલ સેન્ટ્રલ જેલની ઓફિસ સુધી પહોંચી જતા કુતૂહલ સર્જાયું હતું. આ મગરને જોઈ રેસ્ક્યુ ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમ દ્વારા મગરને પકડી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
રાત્રીના 12:30 વાગ્યાની આસપાસ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ મળ્યો હતો. સેન્ટ્રલ જેલની અંદર એક મગર પર આવી ગયેલી છે તેવો કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર ફરદીન પઠાણ અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુ નીતિન પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા બે ફૂટનો મગર સેન્ટ્રલ જેલની ઓફિસમાં જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો. - અરવિંદ પવાર (પ્રમુખ, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ)
માનવ વસવાટ તરફ મગરનું પ્રયાણ : વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી 17 કિલોમીટરના વિસ્તારમાં આવરી લે છે. આ નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે 1000 મગર છે. એક માદા મગર 20થી 22 ઇંડાં મૂકે છે, જેમાંથી સમય જતા માત્ર એકાદ બચ્ચું જીવે છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર વસવાટ કરે છે અને તેઓ વરસાદની સીઝનમાં પોતે બચવા માટે ક્યારેક નીકળી માનવ વસવાટ તરફ જતા હોય છે. આ વરસાદની સીઝનમાં નદી કે કોતરોમાંથી અંદાજે 50 જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
પોતાના અસ્તિત્વ માટે પ્રયાણ : આમ તો શહેરમાં સામાન્ય રીતે મગરો માનવ વસવાટ તરફ આવતા નથી, પરંતુ વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા બહાર નીકળતા હોય છે. જેમ માણસો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એકથી બીજી જગ્યાએ રહેણાક કરતો રહે છે. તેમ મગર પણ એક સામાજિક પ્રાણી છે. મગર પોતાનો પરિવાર બનાવે છે અને તેની સાથે રહે છે. એક મગર બીજા મગરને પોતાના રહેણાક વિસ્તારમાં પ્રવેશવા દેતો નથી. મગરો વચ્ચે માદાને લઇને ઇનફાઇટ પણ થાય છે. જેથી મગરો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક નદીમાં બીજી નદીમાં કે તળાવમાં માઇગ્રેશન કરે છે.