વડોદરા : શહેરમાં એક ભેજાબાજ યુવકે યુવતીનું ફેક ફેસબુક ID તેમજ વોટ્સએપના DP પર રાખ્યા હતા. યુવતીના મિત્રોએ જાણ કરતા યુવતીને ફેક IDની જાણ થઈ હતી.
સાઈબર ક્રાઇમે આપેલી માહિતી મુજબ, વડોદરા શહેરમાં સામાજિક સંસ્થા ચલાવતી સંસ્થામાં ભાવનાબહેન(નામ બદલેલ છે) સમાજ સેવાનું કામ કરે છે. જાન્યુઆરી 2020માં ભાવનાને તેના મિત્રોએ જણાવ્યું હતું કે, તારા ફોટાનો ઉપયોગ કરીને કાશ્મિરા પટેલ(નામ બદલ્યું છે) ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને DP પર તારો ફોટો મૂક્યો છે. તેમજ વોટ્સએપ DP પર પણ તારો ફોટો મૂકીને તારા ફેસબુક મિત્રો સાથે ચેટિંગ કરી રહ્યો છે. યુવતીએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ ફેક ID અંગે મિત્રો પાસેથી માહિતી મળતા ભાવના ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તપાસ કરીને 29-2-2020ના રોજ સાઈબર ક્રાઈમમાં ફેક ફેસબુક એકાઉન્ટ ખોલીને ફોટાનો ઉપયોગ કરનાર ભેજાબાજ મોઈન સાહીર મન્સુરી(26) સામે અરજી આપી હતી. આ અરજીને આધારે સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
સાઈબર ક્રાઈમની ટીમે ટેક્નોલોજીનો ઉપયોગ અને બાતમીના આધારે બોડેલી ખાતે રહેતા ભેજાબાજ મોઈન મન્સુરીની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ પૂછપરછમાં ભાવનાની મંજૂરી વિના તેના ફોટાનો ઉપયોગ કરીને કાશ્મિરા પટેલ નામના કાલ્પનિક નામનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મોઈન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.