વડોદરા: ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત છે. વડોદરાના સયાજીગંજમાંથી નકલી દારુ બનાતવી ફેક્ટરી ઝડપાઈ છે. આરોપીઓ દારુમાં ભેળસેળ કરીને સ્કોચ, વ્હીસ્કીની બોટલમાં ભરીને વેચતા હતા. પોલીસે આ ફેક્ટરી ચલાવતા 2 આરોપીની ધરપકડ કરી લીધી છે.
મોડસ ઓપરન્ડીઃ વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં કલ્યાણનગર પાસે રાજીવ ગાંધી આવસામાં રહેતા સાજીદ શેખ, સઈદ શેખ તથા શકીલ સઈદ શેખ, સાહીલ સઈદ શેખ તથા રૂકસાર સાજીદ શેખ પોતાના ઘરમાં જ ડુપ્લીકેટ દારુની ફેક્ટરી ચલાવતા હતા. દારુની ફેરબદલી કરવાની ફેકટરીમાં ગોવા બ્રાન્ડની પ્લાસ્ટીકની બોટલમાંથી દારુ કાઢી તેમાં ભેળસેળ કરવામાં આવતી હતી. ત્યારબાદ આ ભેળસેળવાળો દારુ બ્રાન્ડેડ સ્કોચ અને વ્હિસ્કીની બોટલમાં ભરી તેનો વેપલો કરવામાં આવતો હતો. આરોપીઓ આ નકલી દારુની હોમ ડિલિવરી કરતા હતા. જો કે આ આરોપીઓ દ્વારા દારુની ભેળસેળ એવી રીતે કરવામાં આવતી કે ગ્રાહકોને ખ્યાલ જ આવતો નહતો. સ્કોચ અને વ્હિસ્કીની બોટલમાં દેશી બ્રાન્ડનો દારુ ભેળ સેળ કરીને આરોપીઓ વેચતા હતા.
પોલીસ કાર્યવાહીઃ સયાજીગંજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફને આ ફેક્ટરની ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસની ટીમ કલ્યાણનગર સ્થિત રાજીવ ગાંધી આવાસમાં પહોંચી હતી. અહીં સાજીદ અને સઈદ શેખ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘરમાં તપાસ કરતા બ્રાન્ડેડ સ્કોચ, વ્હિસ્કીની દારૂની ખાલી બોટલ અને મોટી સંખ્યામાં પ્લાસ્ટીકની દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળેથી પિતા-પુત્રની ધરપકડ કરી ઉપરોક્ત દર્શાવેલ 5 લોકો સામે પ્રોહિબિશન ગુનો નોંધ્યો છે. પોલીસ આ 2 આરોપીઓની પુછપરછ કરીને અન્ય 3 આરોપીઓની શોધખોળ કરી રહી છે.