વડોદરાઃ શહેરમાં એક ફૂટપાથ પર પગનું તાજુ ઓપરેશન થયેલ વૃદ્ધ મહિલા બિનવારસી હાલતમાં રઝળી રહ્યા હતા. આ દર્દીના પગમાં ઓપરેશન દરમિયાન સળિયા પણ નાંખવામાં આવેલા હતા. શહેરના વોર્ડ નં.13ના કાઉન્સિલર જાગૃતિ કાકાએ 108 બોલાવીને વૃદ્ધ મહિલા દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ વહેલી સવારે વડોદરાના વોર્ડ નં.13ના કાઉન્સિલર જાગૃતિ કાકા તેમના દીકરા સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. એક ફૂટપાથ પર પગનું તાજુ ઓપરેશન થયું હોય તેવા વૃદ્ધ બિનવારસી મહિલા દર્દી તેમની નજરે પડ્યા. તેમને તપાસ કરતા આ દર્દીના પગમાં ઓપરેશન કરીને સળિયા નાંખ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આ બિનવારસી મહિલા દર્દીના શરીર પર જીવડા પણ ફરતા હતા. કાઉન્સિલર તાત્કાલિક એમએલએ અને સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કરીને મદદ માંગી હતી. જો કે કેટલાક સમય બાદ મદદ ન મળતા તેમણે 108 બોલાવીને આ મહિલા દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અહીં 8.30 કલાકે આ દર્દીને હોસ્પિટલમાં જે સ્થિતિમાં રખાયા હતા તે જ સ્થિતિમાં 11.30 કલાક સુધી જોવા મળ્યા હતા. તેથી કાઉન્સિલરે સયાજી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનને આ બાબતે ફરિયાદ કરી હતી. જાગૃતિબેને આ બાબતે દંડક બાલકૃષ્ણ શુકલને પણ ફોન કરી ફરિયાદ કરી હતી.
ગુજરાતની સૌથી મોટી અને પ્રખ્યાત સાયાજી હોસ્પિટલ વારંવાર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવે છે. હું છેલ્લા એક અઠવાડિયાથી સયાજી હોસ્પિટલની મુલાકાતે આવું છું ત્યારે કેટલાક ડોક્ટરો દર્દીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા હોય છે. જે મેં મારી નજર સમક્ષ જોયું છે. હું આ દર્દીને સવારે 08:30 કલાકે અહીં મુકીને ગઈ હતી, પરંતુ 11:00 વાગ્યા સુધી આ દર્દી એની એ જ પરિસ્થિતિમાં હતા. હોસ્પિટલ મારા વિસ્તારમાં જ આવે છે આ ઘટના અંગે સરકારમાં હું પત્ર લખીશ અને આરોગ્ય મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરીશ...જાગૃતિ કાકા (કાઉન્સિલર, વોર્ડ નં. 13, વડોદરા)
આજરોજ વહેલી સવારે એક દર્દી મહિલા હોસ્પિટલની બહાર કેવી રીતે પહોંચી એ જ તપાસનો વિષય છે. મને આ બાબતે વડોદરાના વોર્ડ નંબર 13ના કાઉન્સિલરે જાણ કરી હતી. સમગ્ર ઘટનાની હું ઊંડાણપૂર્વક તપાસ કરાવીશ અને આગળની કાર્યવાહી કરીશ...રાજેશ ઐયર(સુપ્રિન્ટેન્ડન્ટ, સયાજી હોસ્પિટલ, વડોદરા)