વડોદરા : શહેરમાં ફરી એકવાર શહેર પોલીસ કમિશનરની જવાબદારી અનુપમસિંહ ગેહલોતને સોંપવામાં આવી છે. નવ નિયુક્ત પોલીસ કમિશનરે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ શહેરમાં ચાલી રહેલી સ્થિતિ અને ઉત્સવોને લઈ સમીક્ષા કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક, મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ ઉપર ભાર મૂકવામાં આવશે.
અનુપમસિંહ ગેહલોત : અનુપમસિંહ ગેહલોતને અગાઉ વડોદરા પોલીસ કમિશનરની જવાબદારી બાદ રાજ્યના CID (ઇન્ટે)ના વડા સાથે રાજ્યના ACB ના વડા તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. આ દરમિયાન 27 જુલાઈના રોજ રાજ્યમાં 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હતી. આ બદલીમાં અનુપમસિંહ ગેહલોતને ફરી વડોદરા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આજે શહેર પોલીસ પોલીસ કમિશનર તરીકેનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. આ તકે તેઓએ શહેરમાં શાંતિ બની રહે તે માટે અપીલ કરી હતી.
વડોદરામાં ત્રણ વર્ષ બાદ ફરી મારી નિમણૂક થઈ છે. વડોદરાનાં લોકો કાયદાનું પાલન કરવામાં પોલીસની સાથે રહી છે. આ પ્રકારનો સહકાર સતત મળતો રહેશે તેવી મને આશા છે. અમારા માટે મહિલાઓની સુરક્ષા અને સાયબર ક્રાઇમ સૌથી મોટો પડકાર છે. જેમાં લોકોની સલામતીની ખૂબ કાળજી રાખવી અમારી મોટી જવાબદારી છે.-- અનુપમસિંહ ગેહલોત (પોલીસ કમિશનર, વડોદરા શહેર)
શહેર સુરક્ષાની ખાતરી : અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હાલ તમામ શહેરોમાં મુખ્ય સમસ્યા ટ્રાફિક, સાયબર ક્રાઇમ અને મહિલાની સુરક્ષા કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ ત્રણેય બાબતો ઉપર વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરાશે અને તેના ઉપર ભાર મુકાશે. વડોદરાને સુરક્ષિત રાખવામાં મારા નેતૃત્વમાં પોલીસ પ્રશાસન તમામ પ્રયાસ કરશે તેવી શહેરના લોકોને ખાતરી આપું છું. બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં સર્જાય તેવી ખાતરી આપું છું.
નાગરિકોને અપીલ : શહેરને સુરક્ષિત રાખવાનું કામ મારા નેતૃત્વમાં વડોદરા પોલીસ કરશે. વડોદરા શહેરના નગરજનોને મારી અપીલ છે કે પોલીસને સાથ સહકાર આપે. તેઓને સમસ્યા લઈને વડી કચેરી સુધી આવવું નહીં પડે તેવું કામ કરીશું. આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો શહેરીજનો શાંત માહોલમાં ઉજવી શકે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવશે. ઉપરાંત અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક વધી રહી છે. ત્યારે આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે.