ડભોઇ : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનાં નાગડોલ ગામ નજીક એક ખેતર પાસેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. એક ખેતરમાંથી મળેલા દીપડાના મૃતદેહની જાણ થતાં ડભોઇ ફોરેસ્ટ બીટગાર્ડ અને વનવિભાગ પણ હરકતમાં આવ્યો હતો.
ખેતરમાં વન્ય પ્રાણીનો મૃતદેહ જાણવા મળતી માહિતી મુજબ નાગડોલ ગામે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓ સવારે બાજરીની કડક ભરવા માટે પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે તેઓને ખેતર પાસે એક દીપડાનો મૃતદેહ દેખાયો હતો. જેથી તેઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ડભોઇ વન વિભાગની ટીમે એજન્સીનો સહારો લઈ આ દીપડાના મૃતદેહ ઉપર કબજો મેળવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખેતરમાં દીપડો મરેલો જોયો હતો. કાલે અમે ખેતરમાં ગયેલા ત્યારે ન હતો. આજે સવારે અમે કડક ભરવા ગયાં ત્યારે મરેલો જોયો હતો. જેથી વન વિભાગમાં અમે જાણ કરી હતી...ધર્મેન્દ્રસિંહ વાઘેલા(ખેડૂત)
દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં દીપડાના મોઢાના ભાગે લોહી નીકળતી હાલતમાં મૃત અવસ્થામાં મૃતદેહ જોવા મળ્યો હતો. તેની અંદાજિત બે વર્ષની ઉંમર જણાઇ આવી હતી. ત્યારે વન્ય વિભાગની ટીમ દ્વારા આ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગની કામગીરી સામે સવાલો મહત્ત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ડભોઇની આસપાસના વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓના મૃતદેહ મળી આવતાં હોય છે. વન્ય પ્રાણીઓને સાચવવામાં વન વિભાગના કર્મચારીઓ સાવ નિષ્ફળ ગયા છે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ જોઈએ તો અન્ય વન્ય વિભાગ પ્રાણીઓને સાચવવા તેમજ તેની જરૂરી કાળજી રાખવા માટે વન્ય વિભાગના કર્મચારીઓ અને એજન્સીઓનો સહારો લેતા આવ્યા છે. શું વન્ય વિભાગના કર્મચારીઓનું મહેકમ ઓછું છે કે પછી વન્ય વિભાગનાં કર્મચારીઓ પોતાની ફરજ અદા કરવામાં નિષ્ફળ છે તેવી ચર્ચા છે.
વન વિભાગના અધિકારીનો સંપર્ક ન થતાં ચર્ચાઓએ જોર પકડયું આ ઉપરાંત ડભોઇ ફોરેસ્ટ બીટગાડૅની તાલુકામાં અનેક ફરિયાદ ઊભી થવા પામી છે. બીજી તરફ આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા ડભોઇ વન વિભાગમાં ફરજ ઉપરના રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.જ્યારે પણ ડભોઇ નગર અને તાલુકામાં કોઈપણ પ્રાણીઓને લગતી સમસ્યા કે વનના ઝાડ કાપી જવાની ઘટનાઓ બને છે ત્યારે આ કર્મચારી દ્વારા હરહંમેશ સંપર્ક થતો જ નથી તેની પાછળનું મોટું રહસ્ય શું છે તે સામાન્ય નાગરિકોને સમજી શકાય તેમ નથી. આમ વન વિભાગની બેદરકારી અંગે સમગ્ર પંથકમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું છે.