વડોદરા : વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીના આગામી બે માસ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) અને ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ મહારાઉલની બિનહરીફ વરણી થતા આગામી બે માસ માટે બરોડા ડેરીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. સર્વાનુમતે વરણી થતાંજ શુભેચ્છકો દ્વારા ફટાકડા ફોડી અને ફુલહાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
આગામી બે માસ માટે વરણી : બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં અગાઉથી જ નક્કી કરેલ જિલ્લા ભાજપા પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલ (નિશાળિયા) પ્રમુખ તરીકે અને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલજીની ઉપપ્રમુખ પદે બિનહરીફ વરણી થતા આગામી બે માસ માટે કાર્યભાર સાંભળ્યો છે. આ બંને સર્વાનુમતે નામ જાહેરાત થતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો
હવે આંદોલનનો અંત નિશ્ચિત : બરોડા ડેરી સામે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પશુપાલકોના હિત માટે આંદોલન કરતા પ્રમુખ તરીકે પદભાર સાંભળતા જી બી સોલંકીએ એકાએક રાજીનામુ ધરી દીધું હતું. સાથે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાદરા વિધાનસભા બેઠક ઉપરથી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલએ બળવો કરીને ચૂંટણી લડ્યા બાદ તેઓએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. બરોડા ડેરીમાં શરૂ થયેલા વિવાદમાં આ વિવાદ આગળ વધતાં ઉપપ્રમુખ જી બી સોલંકીએ કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. આખરે આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત : બરોડા ડેરીમાં યોજાયેલ આ ચૂંટણી પ્રક્રિયાના ભાગ રૂપે કોઈ અનિઇચ્છનીય ઘટના ન બને તે માટે ડેરી પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ચૂંટણીના પગલે સંભવિત પ્રમુખ અને ઉપ્રમુખના ટેકેદારો તેમાં શુભેચ્છકો મોટી સંખ્યામાં બરોડા ડેરી ખાતે ઘસી આવ્યા હતા. સર્વાનુમતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થતા પ્રશંસકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સાથે નિમાયેલા હોદ્દેદારોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું
તમામના હિતને ધ્યાનમાં રાખી આગળ વધીશું : નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા)એ જણાવ્યું હતું કે આજે યોજાયેલ ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો તે મુજબ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તમામે આ મેન્ડેટને વધાવી મને પ્રમુખ બનાવ્યો છે. આ સંસ્થાને ખૂબ સારી રીતે વહીવટ કરીને ખૂબ સારી રીતે દૂધ ઉત્પાદકો ,સંસ્થા અને કર્મચારીઓનું હિત જોઈ આગળ વધિશું. ભાજપના જ સભ્યો છે જે કઈ હિત રહેલું હશે તે પ્રમાણે કામ કરીશું. સંસ્થાનું હિત અમારા માટે આગવું છે આમાં ભાજપ કોંગ્રેસ જેવું હોતું નથી તેવું જણાવ્યું હતું.
કોની કોની ઉપસ્થિતિ હતી : બરોડા ડેરી ખાતે યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન પ્રમુખ દિનેશ પટેલ (દિનુમામા) ઉપપ્રમુખ જી.બી. સોલંકી, કુલદીપસિંહ રાહુલજી, શૈલેષ પટેલ, રણજીતસિંહ રાઠવા, મેયર નીલેશ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, સાસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા , સહકારી આગેવાન અને બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેકના ચેરમેન અતુલ પટેલ તેમ જ તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા.