વડોદરા: શહેરમાં LCB સતત કાર્યરત છે. શનીવારે પોલીસ તેમજ LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCBના ટીમના મુકેશભાઈ પાંચાભાઈ અને અશોકભાઈ કાનાભાઈને મોટર સાયકલ ચોરી અંગેની બાતમી મળી હતી. જેમાં બે શખ્સો ચોરીનું શંકાસ્પદ હીરો કંપનીનું બાઈક લઈને વેચવા માટે આમોદ તરફથી કરજણ તરફ આવી રહ્યા છે તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે LCB ટીમ કરજણ મીયાગામ ત્રણ રસ્તા રોડ ઉપર આવેલી નર્મદા કેનાલ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જ્યાં થોડાક સમય બાદ, 2 શખ્સો મોટરસાઈકલ લઈને આવતા જોવા મળી રહ્યા હતા. ટીમને આ શખ્સો શંકાસ્પદ દેખાઈ આવતા તેમને ઉભા રાખી પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ મોટર સાયકલ પર નંબર પ્લેટ ન હોવાથી રજીસ્ટ્રેશનના કાગળો તેમજ બિલ આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન મળ્યો હતો. જેથી પોલીસ દ્વારા તપાસ કરતાં મોટર સાયકલના માલિક હીતેશભાઈ રણજીતસિંહ જાદવનું હોવાનું જણાઈ આવ્યું હતું
મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત : બંન્ને શખ્સો ની તપાસ કરતા તેમની પાસેથી સોનાના દાગીના ઓગાળીને બનાવેલ 2 રણી, સોનાની 1 ચેઈન, રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા ખાલીદ પેટલે આજથી પાંચેક મહિના ચેઈન અને રણી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ તમામ ગુનાને લઈને જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં શખ્સો વિરુદ્વ ગુના દાખલ કરાયેલા છે.LCB કર્મચારીઓ દ્વારા આરોપી પાસેથી ચોરી કરેલી સોનાના દાગીનાને ઓગાળીને બનાવવામાં આવેલી 2 રણી જેનું વજન 80 ગ્રામ અને તેની કિંમત રૂ.4,00,000, સોનાની 1 ચેઈન જેની કિંમત રૂ.50,000, જુદા-જુદા ઘરમાંથી ચોરી કરેલી ચલણી નોટો રૂ.10,300, હીરો આઈ સ્માર્ટ મોટર સાયકલની કિંમત, 20,000, 3 મોબાઈલ ફોન રૂ.20,500 મળીને કુલ રૂ.5,00,800નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આ રીતે ગુનાને અંજામ આપતો હતો: આરોપી ચોરી કરવા માટે એકલો જ આવતો હતો. અંતરિયાળ ગામોમાં રહેણાંક મકાનોમાં મધ્ય રાત્રીના પ્રવેશી તીજોરીની ચાવીઓ શોધી, ચાવી વડે તીજોરી, કબાટ ખોલી તેમાંથી સોના,ચાંદીના દાગીના, રોકડા રૂપિયાની ચોરી કરીને ગુનાને અંજામ આપતો હતો. આ સોનાના દાગીના આરોપી તેના મિત્ર વિજય વિનોદ વસાવા મારફતે સોનીને આપી તેના ઓગાળીને સોનાની રણી બનાવી દેતા હતા પકડાયેલ આરોપી વિરુદ્વ અગાઉ ચારથી વધુ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવેલી છે. અગાઉ પણ આરોપી વિરુદ્વ વરણામા પોલીસ સ્ટેશન તેમજ ભરૂચના જીલ્લા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.