- વડોદરા જિલ્લાના દીપાપુરા ગામમાં વિદેશી દારૂ ઝડપાયો
- પોલીસે 2.73 લાખના દારૂ સાથે એક કાર પણ ઝડપી પાડી
- પોલીસે વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની પણ કરી ધરપકડ
વડોદરાઃ જિલ્લા પોલીસે બાતમીના આધારે ડભોઈ-બોડેલી રોડ ઉપર આવેલા દીપાપુરા ગામ પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં વડોદરા નાગરવાળા વિસ્તારના જ ત્રણ કેરિયર હોવાનું સામે આવ્યું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન 3 કેરિયરો કારમાં વિદેશી દારૂ લઈને વડોદરા તરફ આવી રહ્યા હતા. જે બાતમીને આધારે પોલીસે ત્રણ કેરિયરની ધરપકડ કરીને 2.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને 7 લાખ રૂપિયાની કિંમતની કાર મળી કુલ રૂપિયા 9.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મી ઢબે પોલીસે પીછો કરી ત્રણે શખસને દબોચી લીધા હતા.
એલસીબીની ટીમને ડભોઈ-બોડેલી રોડ પર બાતમી મળી હતી
LCBની ટીમ ડભોઈ-બોડેલી રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે, છોટાઉદેપુરથી એક ભૂરા રંગની કાર વિદેશી દારૂ ભરીને વડોદરા આવવા નીકળી છે. એટલે ગોપાલપુરા ગામ પાસે માહિતીવાળી કારને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો, પરંતુ કારચાલકે કાર ઊભી ન રાખી. કાર ગોપાલપુરાથી અંદર જવાના માર્ગ ઉપર ભગાડી મૂકી હતી. જોકે, સ્ટાફના જવાનોએ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કાર દીપાપુરા ગામ પાસે ઝડપી પાડી હતી.
પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી રૂ. 2.73 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, રૂ. 7 લાખની કિંમતની કાર તેમ જ રૂ. 20,500ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ 9,94,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે છોટાઉદેપુર-બોડેલી તરફથી વિદેશી દારૂ લઈને વડોદરા તરફ આવી રહેલા બાબર હબીબખાન પઠાણ (રહે. નવીધરતી, નાગરવાડા, વડોદરા), આમીન રફિક શેખ (રહે. નવીધરતી, નાગરવાડા, વડોદરા) અને ચેતન અશોક રણા (રહે. મકાન નંબર-58, ગોલવાડ, નાગરવાડા, વડોદરા)ની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે આ બનાવ અંગે ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડભોઈ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.