- ગત 6 જાન્યુઆરીએ કલર કામ કરતા યુવાનની મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો
- દીકરી પર નજર બગાડતાં લેબર કોન્ટ્રાક્ટર પિતાએ યુવાનની હત્યા કરી
- હરણી પોલીસે લેબર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી
- ખુલ્લા મેદાનમાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની જુદીજુદી ટીમોએ તપાસ હાથ ધરી
વડોદરાઃ ગત તા.6 જાન્યુઆરીના રોજ ખોડિયારનજીક બ્રહ્માનગર પાસેના ખુલ્લા મેદાનમાં સીતારામ નગરમાં રહેતા અને કલર કામ કરતા અનિલ યાદવ નામના યુવાનનો હત્યા કરેલ મૃતદેહ હરણી પોલીસને મળ્યો હતો. હરણી પોલીસે આ બનાવ અંગે અજાણ્યા હત્યારાઓ સામે ખૂનનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી.અનિલ યાદવની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે ડી.સી.પી. લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હરણી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.બારીયા એ અલગ-અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન લેબર કોન્ટ્રાક્ટર ભાંગી પડ્યો, લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત
તપાસ દરમિયાન પોલીસે અનિલ યાદવની સાથે સંપર્ક ધરાવતા બ્રિજલાલ તિવારી સહિત અન્ય લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બ્રિજલાલ તિવારી ભાંગી પડ્યો હતો અને તેને અનિલ યાદવની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મોતને ઘાટ ઉતારાયેલ અનિલ યાદવ અને લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા બ્રિજલાલ શારદાપ્રસાદ તિવારી વચ્ચે ધંધાકીય સંબધ હતાં. આથી અનિલ યાદવ અવારનવાર લેબર કોન્ટ્રાક્ટરના ઘરે પણ જતો હતો અને અનિલ યાદવ લેબર કોન્ટ્રાક્ટરની દીકરી ઉપર નજર બગાડતો હતો. અનિલ યાદવ દીકરી ઉપર નજર બગાડતો હોવાની જાણ લેબર કોન્ટ્રાક્ટર બ્રિજલાલ તિવારીને થતાં તેને સમજાવ્યો હતો. આમ છતાં અનિલ યાદવ પોતાની આદત ભૂલ્યો ન હતો. બે દિવસ પહેલાં બ્રિજલાલ તિવારીના પુત્રનો જન્મ દિવસ હતો. તે દિવસે અનિલ યાદવ તેઓના ઘરે ધસી ગયો હતો અને ઝઘડો કરી બેફામ અપશબ્દો બોલ્યો હતો. જેના કારણે બ્રિજલાલ તિવારી રોષે ભરાયો હતો. ગત રાત્રે અનિલ યાદવ બ્રહ્માનગરની પાછળ ખુલ્લા મેદાનમાં બેઠો હોવાની જાણ થતાં તે ઘરેથી લોખંડની ચોરસ પાઇપ લઇને પહોંચી ગયો હતો અને અનિલ યાદવના કાન નીચે ઘા કર્યો હતો.લોખંડની પાઇપનો ઘા વાગતાં જ અનિલ યાદવ સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.