વડોદરાઃ મહાનગરપાલિકાના 1254 હંગામી સફાઇ કામદારોની હડતાળના અંત બાદ કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરોએ આંદોલન શરૂ કર્યું છે.300થી વધુ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. શનિવારના રોજ બીજા દિવસે પણ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોએ પાલિકાની વ્હીકલપુલ શાખા ખાતે ધરણાં કરી ભારે સુત્રોચ્ચારો પોકાર્યા હતા.
જયારે, સતત બીજા દિવસે પણ તેઓની હળતાલ યથાવત રહેતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પંડ્યાએ વ્હીકલપુલ શાખા ખાતે પહોંચી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોની મુલાકાત લીધી હતી અને ડ્રાઈવરોની રજૂઆતો સાંભળી હતી. જોકે, તંત્ર દ્વારા તેઓને કોઈ ચોક્કસ બાંહેધરી કે યોગ્ય જવાબ ન મળતાં કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોની માંગણી જયાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહિંસક રીતે ગાંધીચીંધ્યા માર્ગે હળતાલ ચાલુ રહેશે હોવાનું કામદાર યુનિયનના અગ્રણી મનોજભાઈ પંડિતે જણાવ્યું હતું.