વડોદરા : હોળી પર્વને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના બજારોમાં ખજૂર અને ધાણીની હાટડીઓ લાગેલી જોવા મળી રહી છે. શહેરના નવાબજાર, માંડવી, ચોખંડી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને હોળીમાં મકાઈ ધાણી, જુવાર ધાણી, ખજૂર,ચણા, હાયડા સાથે વિવિધ ચીજ વસ્તુઓ બજારમાં ગુજરાતમાં હોળીની પરંપરાઓરુપે જોવા મળી રહી છે. ત્યારે હોળી પર્વમાં ખવાતી વસ્તુઓ ખજૂર અને ધાણી શા માટે મહત્વની હોય છે તે અંગે આપણે જાણીશું.
ધાણી અને ખજૂરનું મહત્વ : હોળીના પર્વ નિમિત્તે ખાસ કરીને ખજૂર, ધાણી અને ચણા લોકો આરોગતા હોય છે. ત્યારે હોળી પર્વ એ શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતમાં આવનાર તહેવાર છે. જેથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે આકારો તાપ અને સાંજે ફરી ઠંડકની અનુભૂતિ થાય છે. જેથી હોળી આવવાના અને હોળી પછીના કેટલાક દિવસો દરમ્યાન વાતાવરણના કારણે સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કફ જોવા મળે છે. આ કફને પીગળે છે ત્યારે તેને શોષવા માટે ધાણી ચણા અને ખજૂર ખાવી જોઈએ જેથી તે શોષાઈ જાય છે.
આ પણ વાંચો Holi Festival 2023: હોળી સાથે ઉજવવામાં આવશે રસિયા ઉત્સવ, જાણો વિશેષ મહત્વ
ધાર્મિક મહત્વ શું છે : હોળીના તહેવાર નિમિતે લોકો આખો દિવસ ઉપવાસ કરતા હોય છે અને સાંજે હોલિકા દહન થાય ત્યારે પ્રદક્ષિણા કરી અને ભોજન લેતા હોય છે. હોલિકા દહન બાદ ખજૂર, ધાણી,ચણા અને હાયડા ખાવાની પ્રથાઓ આજે પણ ચાલી રહી છે. ધાર્મિક હોળી મહત્વમાં ખાસ કરીને હોલિકા દાહનમાં લોકો ધાણી અને નાલિયેર સાથે આંબાનો મોર પણ નાખતા હોય છે અને તેની પૂજા પણ કરતા હોય છે. પરંતુ આ મહત્વ ધાર્મિક સાથે લોકો ઋતુ પરંપરા અનુસાર આરોગ્યને અસરકારક હોવાથી ખજૂર, ધાણી, ચણા જેવી વસ્તુઓ રોગવામાં આવતી હોય છે.
વડોદરામાં હોળીનું બજાર : હોળીના પર્વને લઈ મહેન્દ્રભાઈ કનોજીયાએ જણાવ્યું હતું કે હોળી પૂજન માટે મોડા ચણા અને ધાણી ખૂબ જરૂરી વસ્તુઓ હોય છે. સાથે જ શ્રીફળ અને હાયડા, પતાસા પૂજામાં ખૂબ ઉપયોગી બનતા હોય છે. હાલમાં ખજૂરની વિવિધ વેરાયટી જોવા મળી રહી છે. જેમાં સાદી ખજૂર, ઇરાણી ખજૂર, કિમીયા ખજૂર બજારમાં ઉપલબ્ધ છે. જે 100 થી 300 રૂપિયા સુધીની 1 કિલોગ્રામ સુધીની ખજૂર મળી રહી છે. સાથે ધાણીમાં બે વેરાયટી જોવા મળી રહી છે જેમાં જુવારની ધાણી પૂજા માટે અને મકાઈની ધાણી ખાવા લોકો ખરીદતા હોય છે જે 120 રૂપિયાથી 150 રૂપિયા સુધી એક કિલોના ભાવમાં વેચાય છે.
આ પણ વાંચો Holi 2023: રાજકોટના ઓર્ગેનિક રંગની દેશના વિવિધ રાજ્યોમાં માંગ વધી, 10 રાજ્યોમાં થયો સપ્લાય
હોળી માતાની પૂજા માટે ઉપયોગી : આ અંગે કિશનભાઈ વાઘેલાએ જણાવ્યું કે ખાસ કરીને ખજૂરમાં વિવિધ પ્રકારની વેરાયટી હોય છે સાથે ખજૂર અને ધાણી હોળી માતાની પૂજા કરવામાં ખાસ વપરાય છે. જેમાં ખાસ કરીને જુવારની ધણીનો મહિમા વધુ છે. ચણા, ખારી સિંગ, વિવિધ ખાવાના રમકડાં સાથે અન્ય ચીજ વસ્તુઓ આ તહેવારમાં ઉપયોગી બને છે.