વડોદરા નેશનલ હાઇવે પર જામ્બુવા બ્રિજ પાસે આવેલી GEB સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે કેરળના કાજુ અને સોપારી ભરેલા ટ્રક પર 10થી 12 લૂંટારૂઓ ત્રાટક્યા હતાં. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મીઓએ લૂંટારૂઓને પકડવા જતા પોલીસવાન પર પથ્થરમારો કર્યો હતો અને વાન પર ટ્રેક કરીને પોલીસ કર્મીઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર સોમવારે મોડી રાત્રે કેરળનો એક ટ્રક ચાલક કાજુ અને સોપારી ભરીને નીકળ્યો હતો. આ સમયે 10થી 12 જેટલા લૂંટારૂઓએ ત્યાં પહોંચીને ટ્રકને રોકી દીધો હતો. જો કે આ સમયે નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલા PCR વાન ચાલક સી.વી.સિંહ અને જગમાલ સિંહ સહિતના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને લૂંટને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, PCR વાનને જોઇ જતા લૂંટારૂઓએ પોલીસ વાન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ટ્રક પોલીસ વાન ઉપર ચડાવી દીધી હતી. જેમાં PCR વાનચાલક સી.વી.સિંહ અને જગમાલ સિંહ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત ટ્રકને હાઇવે પર પકડવા ગયેલી બીજી PCR વાન પર પણ ટ્રક ચઢાવી દીધી હતી. આ મામલે PCR વાનચાલકે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ટ્રકમાં મૂકેલા કાજુ અને સોપારીનો માલ લૂંટી ફરાર થઇ ગયા હતા.