વડોદરા : શહેરના નાગરવાડામાં રહેતા અને કુવૈતમાં ટેલરિંગની દુકાનમાં નોકરી કરતા એક યુવકનું હાર્ટ એટેકના કારણે દુઃખદ મોત નિપજ્યું છે. દુકાનમાં કામ કરતા સમયે પ્રકાશભાઈ ચૌહાણ અચાનક જ સ્થળ ઉપર જ ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો વાયુવેગે વાયરલ પણ થયો હતો. વડોદરાના યુવકનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે વતનમાં લાવવામાં આવશે અને તેના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
પરિવારે ઘરનો મોભી ખોયો : આ અંગે મૃતકના ભાઈ નિલેશભાઈ ચૌહાણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, રવિવારે જ્યારે તેમના મોટાભાઈ પ્રકાશભાઈ ચૌહાણ દુકાનમાં પોતાના કામમાં મશગુલ હતા. અચાનક તેઓ ગણતરીની સેકન્ડોમાં જ સ્થળ ઉપર ઢળી પડ્યા હતા. બેભાન અવસ્થામાં તેમને સારવાર આપવા તપાસતા તેઓનું મોત થયું હોવાનું જણાયું હતું. અચાનક દુઃખદ બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતકના મૃતદેહને તેમના સાળા રાકેશભાઈ રાઠોડ મંગળવારના રોજ તેમના વતન વડોદરા ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
રોજગાર અર્થે કુવૈતમાં ગયો યુવક : કુવૈતમાં બનેલી ઘટના અંગે વડોદરાના નાગરવાડાના ડબગરવાળમાં રહેતા અને જયશ્રી ટેલરિંગ નામની દુકાન ધરાવતા નિલેશભાઈ ચંદુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, કુવૈતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોતને ભેટેલા પ્રકાશભાઈ ચૌહાણ મારા મોટાભાઈ હતા. તેમના સાળા રાકેશભાઈ રાઠોડની અરબ અમીરાતમાં ટેલરિંગની દુકાન હતી. જ્યાં તેઓ ટેલરિંગ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 26 માર્ચ 2023 ના રોજ સાળાની દુકાને નોકરી માટે ગયા હતા. પરંતુ ટૂંકા સમય ત્યાં રહ્યા બાદ આ દુઃખદ ઘટના બની છે.
પરિવારમાં મોતનો સિલસિલો : નિલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા ચંદુભાઈ ચૌહાણનું 2022 માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ત્યારબાદ 21 દિવસ બાદ માતા કૈલાશબેનનું હાર્ટએટેકથી જ મોત નીપજ્યું હતું. માતાના અવસાનના દસ માસ બાદ એટલે કે 29 ઓક્ટોબર 2023 ના રોજ મોટાભાઈ પ્રકાશભાઈનું પણ હાર્ટ એટેકથી જ મોત થયું છે. મોટાભાઈના પત્ની દિપીકાબેન અને તેમનો 15 વર્ષનો પુત્ર ધ્રુવ ઉર્ફે ભવ્ય વડોદરામાં અમારી સાથે જ રહે છે. હાલ ધ્રુવ ધોરણ 10 માં અભ્યાસ કરે છે.
પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી : જાણવા મળતી માહિતી મુજબ મૃતક પ્રકાશભાઈને એક જ સંતાન હતું. જેનું નામ ધ્રુવ ઉર્ફે ભવ્ય છે, જે હાલ ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યો છે. મૃતકનો પુત્ર પોતાના કાકા નિલેશભાઈની સાથે રહીને પોતાનું ભણતર કરી રહ્યો છે. પરંતુ અચાનક પિતાના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું હતું. પોતે પિતાની છત્રછાયા નાની ઉંમરમાં જ ગુમાવી દીધી છે.