વડોદરા : શહેરના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા આવતીકાલે નીકળનાર ભગવાન શ્રી જગન્નાથજીની 42મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેને લઈ શહેર પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના તમામ રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા રેલવે સ્ટેશનથી રથયાત્રાના તમામ રૂટ પર બંદોબસ્તને લઈને રિહર્સલ કરવામાં આવ્યું હતું.
બંદોબસ્તને લઈ પોલીસનું અંતિમ રિહર્સલ : પોલીસ વિભાગ દ્વારા કોઈ અઈચ્છનીય ઘટના ન બને તે માટે હાલમાં શહેરના રથયાત્રાના રૂટ પર ચાંપતો બંદોબસ્ત સાથે વિવિધ ધાબા પોઇન્ટ અને ડિપ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. અગાઉ રામનવમીના રોજ થયેલા પથ્થરમારા બાદ વડોદરા પોલોસ દ્વારા રથયાત્રામાં કોઈ ઘટના ન બને તે માટે સાવચેતી જોવા મળી રહી છે. હાલમાં શહેરમાં બંદોબસ્તને લઈ 7 ડીસીપી, 15 ડીવાયએસપી કક્ષાના અધિકારી, 54 પીઆઈ, 119 પીએસઆઈ, 1195 પોલીસ કર્મચારીઓ સાથે 500 હોમગાર્ડ તૈનાત રહેશે. આ સાથે એસઆરપીની 3 કંપની, સ્થાનિક DCP, PCB, SOGની ટીમ સાથે મહિલા શી ટીમના સ્કોડ તૈનાત કરવામાં આવી છે.
ટ્રાફિક નિવારવા માટે જવાનો તૈનાત : આ સાથે રથયાત્રાને લઇ ટ્રાફિક વ્યસ્થા માટે 350 ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ અને 300 TRBના જવાનો ટ્રાફિક બંદોબસ્ત અર્થે તૈનાત કરવામાં આવેલ છે. ઉપરાંત ટ્રાફિક શાખાના પીઆઈ 3, પીએસઆઈ 1, 25 પોલીસ કર્મચારીઓ અને 1-પ્લાટુન SRPનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખોટી અફવા ફેલાવનાર પર વોચ રાખશે : આ ઉપરાંત ઘોડે સવાર 4, BDDS ટીમ, વર્લ્ડ મોબાઈલ 3, QRTની- 3 ટીમ તેમજ રૂટ પરના CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા, હાઈરાઈઝ પોઈન્ટ વોચટાવર દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થાનું અને બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ખોટી અફવાઓ ફેલાવનાર કે કોઈ ખોટા મેસેજ વાયરલ કરનાર અંગે સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહેલી છે.
35 ટન શિરો અને 20 હજાર કેળાનો પ્રસાદ : આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનારી 42મી રથયાત્રામાં લાખો ભાવિકો સાથે વિદેશી ભક્તો પણ જોડાશે. આ રથયાત્રામાં આવનાર ભાવિ ભક્તો માટે 35 ટન શિરાનો પ્રસાદ અને 20 હજાર કેળાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. પરંપરાગત શહેરના સ્ટેશન ખાતેથી બપોરે 2:30 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળદેવજીને શણગારેલા રથમાં બિરાજમાન કરાવી 42મી રથયાત્રાનું પ્રસ્થાન થશે અને ભાવિ ભક્તો હરે ક્રિષ્ના, હરે રામના નાદ સાથે ગુંજી ઉઠશે.
રથયાત્રાનો રૂટ : રેલવે સ્ટેશન, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યૂબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ ન્યાયમંદિર, મદનઝાંપા રોડ, કેવડાબાગ, પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થશે.