વડોદરા: લોન એપ્લિકેશનથી છેતરપિંડીનો કેસ સામે આવ્યા બાદ ડમી પેઢી ઊભી કરીને સરકારને ચૂનો લગાવતી ટોળકી ઝડપાઈ છે. પોલીસ વિભાગમાંથી મળતા રિપોર્ટ અનુસાર, ચીટર ટોળકી એ વડોદરા શહેરમાં નકલી પેઢી તથા ખોટા દસ્તાવેજના સહારે જીએસટી પોર્ટલ પર પેઢી બતાવી જીએસટીએન નંબર મેળવ્યા હતા. આ પેઢી કોઇ પ્રકારનો ધંધો કરતી ન હતી. પણ સરકાર સાથે છેતરપિંડી કર્યાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસ માંથી જાણવા મળ્યું છે. પોલીસે બે બોગસ પેઢી ઊભી કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. ખોટા ઇન્વોઇસ બનાવી સરકારમાંથી પૈસા ખંખેરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસે કાયદા અનુસાર પગલાં લઈ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના રિમાન્ડ આપી દીધા છે.
"અકરમ લોહીયાના ડોક્યુમેન્ટથી એ.એસ. ટ્રેડ નામની પેઢી બનાવી હતી. અકરમે પોતાના ડોક્યુમેન્ટ એક વ્યક્તિને 20 હજાર રૂપિયામાં આપ્યા હતા. એ વ્યક્તિએ બીજી વ્યક્તિને 50 હજાર રૂપિયામાં વેચી દીધા. જાકીરહુસેન અકરમના ડોક્યુમેન્ટ 1 લાખ રૂપિયામાં વેચ્યા હતા. આ ડોક્યુમેન્ટના આધારે ડમી પેઢી બનાવવામાં આવી હતી. જેમાંથી GST ક્લેઇમ કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. એક આરોપી બીજા એક ગુનામાં ભાવનગર જેલમાં છે, તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું" એચ.આઈ. ભાટી ( ક્રાઇમબ્રાન્ચ શાખાના પીઆઇ)
આર્થિક કાવતરું: તપાસમાં 6 ડમી પેઢીઓ બનાવનાર ઇસમોએ પોતાના નામના અને અન્ય લોકોના નામે ખોટા અને બનવાટી દસ્તાવેજી પુરાવા ઉભા કર્યા હતા. આ દસ્તાવેજો GST પોર્ટલ પર અપલોડ કરીને GST નંબર મેળવ્યા હતા. આ 6 પેઢીઓ પર કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં ડમી પેઢીઓ ઉભી કરાઇ હતી. ખોટા અને બનાવટી ઇનવોઇસ બનાવીને તેનો ઉપયોગ કરીને સરકારમાંથી ખોટી GST વેરા શાખ મેળવી-ક્લેઇમ કરીને સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડીને ગુનો આચર્યો હતો.
દસ્તાવેજ આપ્યા: આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ એચ.આઈ. ભાટીએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ ગુનાની લિંક ભાવનગર સાથે મળતી હોવાથી ઇકો સેલના પીએસઆઇ એન.એન.પાટીલ અને તેમની ભાવનગર તપાસ માટે ગઈ હતી. આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન 6 ડમી પેઢી પૈકીની મે. એ.એસ. ટ્રેડ નામની ડમી પેઢીના માલિક અકરમ સલીમભાઇ લોહીયા મળી આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન તેને કબૂલાત કરી હતી કે, તેને આર્થિક લાભ મેળવવા માટે તેના મિત્ર જાકીરહુસેન વહાબભાઇ ખોખરને પોતાના નામના પાનકાર્ડ, આધારકાર્ડ, પોતાનો ફોટો અને આધારકાર્ડથી લિંક સીમકાર્ડ સહિતના દસ્તાવેજો આપ્યા હતા.
આ પણ વાંચો
|
રિમાન્ડ મંજૂર કર્યા: ઇકો સેલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી જાકીરહુસેન વહાબભાઇ ખોખર મળી આવતા તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપી અકરમ લોહીયા પાસેથી તેના ડોક્યુમેન્ટ GSTમાં ડમી પેઢી ખોલવા માટે તેની પાસેથી મેળવ્યા હતા. તે દસ્તાવેજો અન્ય ઇસમને આપીને અકરમ લોહીયાના નામથી મે. એ.એસ.ટ્રેડ નામની ડમી પેઢી ખોલાવડાવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જીએસટી ચોરીનું કૌભાંડ: ઉલ્લેખનીય છે કે વડોદરા ઈકો સેલ દ્વારા સરકાર સાથે હાલમાં જીએસટી ચોરી કરનાર બે ઈસમોને બનાવટી પેઢી સાથે ઝડપી લીધા છે. પરંતુ આ છ પેઢીઓ બનાવટી હોવાથી હજુ માત્ર 2 જ આરોપી સકંજામાં આવ્યા છે. આ કર ચોરીમાં મોટું રેકેટ ઝડપાઇ શકે છે. આ અંગે ઇકો સેલ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં આ કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાનું પોલીસ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે. આગામી દિવસોમાં વધુ તપાસ થતાં જીએસટીનું મોટો રેકેટ ખુલે અને અન્ય ઈસમો ઝાડપાય તો નવાઈ નહીં.