વડોદરા : વિશ્વામિત્રી નદીમાં એક મગર શહેરના યુવકને નદીમાં ખેંચી ગયો હોવાની વાત વડોદરા ફાયર બ્રિગેડને મળી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ ટીમે ઘટનાસ્થળે આવીને વ્યક્તિની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી.
મગર યુવકને ખેંચી ગયો : જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી પાસે આવેલ ભીમનાથ બ્રિજ નીચે સવારના સમયે મગર એક યુવકને નદીમાં ખેંચી ગયો હોવાની વાત વડોદરા ફાયર બ્રિગેડને મળી હતી. જેના આધારે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી આરંભી દીધી હતી.
મૃતદેહને કાઢવાની કવાયત : ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ નદી કિનારો એકદમ સાંકડો હોવાથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે હાલાકી વેઠીને બ્રિજ ઉપરથી નદીમાં બોટ ઉતારીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મગરના હુમલાનું રહસ્ય અકબંધ : સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઉપરાંત યુવકની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ હાલ આ યુવકને મગર નદીમાં કઈ રીતે ખેંચી ગયો એ રહસ્ય અકબંધ રહ્યું છે.