વડોદરા જિલ્લા પંચાયતમાં તત્કાલીન પ્રમુખ પન્નાબેન ભટ્ટને ઉથલાવી દેવા માટે કોંગ્રેસના સભ્યો એ જ અવિશ્વાસની દરખાસ્ત ભાજપની સાથે રહીને રજૂ કરી હતી..જે બાદ તમામ રાજકીય સમીકરણો ખોટા પડી જતા કોંગ્રેસના મેન્ડેડ સાથે વિહિપ આપી નિલાબેન ઉપાધ્યાય માટે મતદાન કરવા પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું.
ભાજપના સમર્થનથી બળવાખોર ઇલાબેન જયદીપસિંહ ચૌહાણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બની ગયા હતાં. નવા પ્રમુખની વરણી થતાની સાથે જ ઉપપ્રમુખ મુબારક પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 20 જેટલી સહીઓ સાથે રજૂ કરવામાં આવી હતી. જેની માટે ફ્લોર ટેસ્ટ માટે મંગળવારના રોજ તા. 22 ઓક્ટોબરના જિલ્લા પંચાયત ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી.
અવિશ્વાસની દરખાસ્ત માટે કુલ 24 મતની જરૂર હતી. પણ અવિશ્વાસની દરખાસ્તમાં ટેકો કરનાર ભાજપ અને કોંગ્રેસના સભ્યોમાંથી એક પણ સભ્ય ફરકયો ન હતો. 12 વાગ્યાની સભામાં જિલ્લા વિકાસ અધિકારીએ એક વાગ્યા સુધી રાહ જોઈ હતી જે બાદ ઉપપ્રમુખ મુબારક પટેલ અને અર્જુનસિંહ પઢીયાર બે જ સભ્યો હાજર હોય પંચાયત ધારા 11 મુજબ સભા આગામી તા. 24 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી. આગામી 24 તારીખે જો સંખ્યાબળ ન થાય તો અવિશ્વાસની દરખાસ્ત રદ્દ થશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
આ સામે ઉપપ્રમુખ મુબારક પટેલે પક્ષના સભ્યો તેઓની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપ દ્વારા પાછલા બારણે ઉપપ્રમુખ બનવાની તૈયારી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધીઓ બહુમતી સાબિત નહીં કરી શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.