- વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા અને 3 નગરપાલિકાની યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારી સંપન્ન
- 11 સેન્ટર ઉપરથી ઈવીએમ સહિત સ્ટાફ મતદાન મથકે રવાના કરાયા
- મુખ્ય ચૂંટણી અધિકારીએ વિવિધ સેન્ટરોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની રવિવારે 28 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં મતદાનને લઈ તંત્ર દ્વારા ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રીઓ ડિસ્પેચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જિલ્લાના વિવિધ સેન્ટરો પર ઈવીએમ ડિસ્પેચ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
- જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતની 168 અને 3 નગરપાલિકાની 88 બેઠકો માટે રવિવારે મતદાન થશે
વડોદરા જિલ્લા પંચાયતની 34, વિવિધ તાલુકા પંચાયતની 168 અને 3 નગરપાલિકાની રવિવારે યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારી સંપન્ન થઈ ગઈ છે. શનિવારે 11 સેન્ટર પરથી ઈવીએમ સ્ટાફ મતદાન મથક પર રવાના કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાની સરકારી ગાઈડ લાઈન પ્રમાણે મતદાન કરવા માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે ડિસ્પેચ અને રીસીવિંગની 11 સેન્ટર પરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- સંવેદનશીલ - અતિસંવેદનશીલ વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ફરજ બજાવશે
કોરોના મહામારી વચ્ચે યોજાનારી ચૂંટણીમાં કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરવામાં આવશે. આ માટે દરેક મતદાન મથક પર હેલ્થની ટીમ મૂકવામાં આવી છે, જેઓ થર્મલ ગન દ્વારા મતદારનું ટેમ્પરેચર માપશે તેમજ સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોઝ આપશે. શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આજે ડિસ્પેચ અને રીસીવિંગની કામગીરી દરમિયાન પણ કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરવામાં આવ્યો છે. સાંજ સુધીમાં ઇવીએમ મશીન તથા મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓ સ્થળ પર પહોંચી જશે. તેમણે ઉમેર્યું હતું કે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથક પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ હાલમાં ઇવીએમ મશીન અને સ્ટાફ બસમાં રવાના થયાં તેની સાથે પણ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાંથી પણ અધિકારીઓ અને જવાનોનો કાફલો બંદોબસ્ત માટે જિલ્લામાં રવાના કરવામાં આવ્યો છે.