વડોદરાઃ રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે લાંચ લેવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સંસ્કારી નગરી વડોદરાથી. વડોદરા પાસેના એક ગામમાં પેઢીનામું કરી આપવા તલાટી કમ મંત્રીએ 11,000 રૂપિયાની લાંચ માગી હતી. ત્યારે ACBએ આ લાંચિયા તલાટીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો Navsari Crime: રુપિયા 7000ની લાંચ લેતા પંચાયતનો પટ્ટાવાળો ઝડપાયો
તલાટી ખેડૂતને ખવડાવતો હતો ધક્કોઃ મળતી માહિતી અનુસાર, વડોદરામાં વાઘોડિયા તાલુકાના દંખેડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કનુ સોલંકીએ ચાંદપુરા ગામના ખેડૂત પાસે પેઢીનામું કરાવવા માટે લાંચની રકમ માગી હતી. જોકે, ખેડૂત સીધી લીટીનો વારસદાર હતો. તેમ જ કોર્ટના કામકાજ માટે પેઢીનામાની જરૂર હોવાથી તે તલાટી કમ મંત્રી પાસે પેઢીનામું કરાવવા વારંવાર ધક્કા ખાતો હતો. ખેડૂત પેઢીનામામાં સીધી લીટીનો વારસદાર હોવા છતાં ભ્રષ્ટ તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકીએ વહીવટ પતાવવા 15,000 રૂપિયાની માગણી કરી હતી.
ACBએ ગોઠવ્યું છટકુંઃ ત્યારબાદ સોદો 13,000 રૂપિયામાં પાક્કો થયો હતો. જોકે, ફરિયાદી પૈસા આપવા માગતો ન હોવાથી તેણે આ અંગે મિત્રને વાત કરતા ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી 11,000 રૂપિયા લઈને વાઘોડિયા રોડ પર આવેલા અનંતા શુભ લાભની સામે કલશ એપાર્ટમેન્ટ પાસે રોડ પર પહોંચ્યો હતો, જ્યાં ACBએ છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન લાંચિયો તલાટી કનુ સોલંકી રંગેહાથ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો સુરતમાં આકારણી વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો, શું છે મામલો જૂઓ
ACBની બીજી ટ્રેપઃ ACBની આ અઠવાડિયામાં વાઘોડિયામાં બીજી ટ્રેપ થતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો. PIએ સ્ટાફની મદદ લઈ વાઘોડિયા-વડોદરા રોડ ઉપર છટકું ગોઠવ્યું હતું. તેમાં તલાટી કમ મંત્રી કનુ સોલંકી ખેડૂત પાસેથી 11,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હત. ઉમલ્લા સેજા-દંખેડાનો આ તલાટી લાંચ લેતા ઝડપાયો હોવાની વાત વાયુવેગે સંખેડા તાલુકામાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી.
સરકારી બાબુઓમાં ACBનો ખોફઃ આ સાથે જ તલાટીની સોસાયટીમાં પણ વાત વહેતી થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા ACBએ લાંચ લેતા ઝડપાયેલા તલાટી કમ મંત્રી કનુ સોલંકી સામે લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ACB દ્વારા તલાટીના ઘરમાં પણ સર્ચ કરવામાં આવશે. જો તલાટીના ઘરમાંથી આવક કરતા વધુ સંપત્તિ મળી આવશે તો વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે. વડોદરા ACBએ છેલ્લા એક સપ્તાહમાં 3 લાંચિયાઓને ઝડપી પાડ્યા છે.