વડોદરા: શહેરના છાણી મિની નદી પુલ નીચેથી ગત 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની મોડી રાત્રે મહિલાની લાશ મળી આવી હતી. આ મામલે છાણી પોલીસે બે આરોપીની ઉત્તર પ્રદેશથી ઝડપી પડ્યા હતા. આ મહિલાનું નામ ચમેલી છે અને આ બંને હત્યારા ચમેલીના પ્રેમી હોવાનું સામે આવ્યું છે. ચમેલી નામની આ મહિલાના લગ્ન થયેલ હતા પરંતુ તેના પતિ સામે હાલમાં કોઈ સંબંધ નહોતો. હાલમાં એકલવાયું જીવન ગુજારતી હતી. સાથે અજય યાદવ સાથે લિવ ઇન રિલેશનમાં ગત ડિસેમ્બરથી રહેતી હોવાની માહિતી સામે આવી છે. બંને પ્રેમીએ સાથે મળી ચમેલીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
એસીપીનું નિવેદન : આ અંગે વધુ માહિતી આપતા એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગત 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાદમલા ગામની સીમમાં આવેલ મિની નદીના બ્રિજ નીચેથી અજાણી મહિલાની લાશ મળી હતી. આ લાશ પર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઇજાના ચિહ્નો હોવાથી શંકાસ્પદ લાગતા ફોરેન્સિકની મદદ લેવાઈ અને પીએમ કરવામાં આવ્યું હતું. આ અજાણી સ્ત્રી પીએમમાં ગળે ટૂંપો આપી હત્યા થઈ હોવાનો શંકાના આધારે છાણી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદ : હત્યા થઈ હોવાની આશંકના આધારે ફરિયાદ બાદ છાણી પોલીસ સાથે ક્રાઇમબ્રાન્ચની વિવિધ ટીમો બનાવાઈ અને આ મહિલા કોણ છે તેની સૌપ્રથમ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં હોટલ, રોડ પર અવર-જવર કરતા વાહનો ચેક કરી આ યુવતી અંગે તપાસ કરી જેમાં ભરૂચથી આણંદ સુધી તપાસ કરવામાં આવી હતી. આ મહિલાના જમણા હાથે ઓમ લખેલ નિશાન હિન્દીમાં હોઈ પ્રાથમિક હિન્દી ભાષી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જીઆઈડીસી વસાહત વિસ્તારમાં પરપ્રાંતીયો વધુ હોવાથી તે વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સઘન તપાસમાં ભાળ મળી આવી સઘન તપાસમાં છેવટે આ અજાણી મહિલા રણોલી બસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હોવાની માહિતી મળી હતી. જેથી ત્યાં તપાસ કરતા એક ઘરમાંથી આ મહિલા હોવાના પુરાવા મળ્યા હતા. અને આ મહિલા સાથે અન્ય યુવક રહેતો હોવાની માહિતી મળી હતી. જેમાં આ વ્યક્તિ આ અજય યાદવ હોવાનું સામે આવ્યું હતું. અજય યાદવ છેલ્લા કેટલાય દિવસથી ત્યાં ન આવ્યો હોવાનું આસપાસના લોકો પાસેથી માહિતી સાથે નોકરી કરનાર જગ્યા પર તપાસ દરમ્યાન ન મળતા પોલોસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો Vadodara Crime: વડોદરામાં નદી કિનારેથી મળ્યો મહિલાનો મૃતદેહ, હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન
પોલીસ પહોંચી ઉત્તર પ્રદેશ : આ અજય યાદવ સોનભદ્ર જિલ્લામાં ઉત્તર પ્રદેશ ખાતે રહેતો હોવાની માહિતી મળતા જ છાણી પોલીસ અને ક્રાઇમબ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી. કોલ ડીટેલ્સ, રેકોર્ડ અને લોકેશનના આધારે ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સધન પુછતાછ કરતા તે ચમેલી સાથે ડિસેમ્બરમાં લિવ ઇન રિલેશનમાં સાથે રહેતા હતા અને શારીરિક સંબંધો પણ રાખ્યા હતાં. અજય યાદવને લગ્ન માટે માંગુ આવતા યુપી પરત જવાનું થયું હતું.
બંને મિત્રો ભેગા મળી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી : અજય યાદવ યુપી ગયા બાદ પ્રેમિકાના કારણે લગ્નજીવન આગળ વધવા દેશે નહીં તે હેતુથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. અજય યાદવ યુપી ગયા બાદ તેના મિત્ર ઉદય શુક્લાનો ચમેલી સાથે સંબંધ બંધાયો હતો. આખરે ચમેલી આ બંનેને છોડવા માંગતી ન હતી. ત્યારે ઉદય શુક્લા પોતે પરણિત હોવાથી આખરે આ બંને મિત્રોએ પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આખરે મિની નદી પહોંચી 14 ફેબ્રુઆરીના રોજ સાંજે અજય યાદવ અને ઉદય શુક્લા બંને ભેગા મળી ગળું દબાવી ઢસડી અને ઉપરથી નીચે ફેંકી હતી ત્યાર બાદ બંને ફરાર થઈ ગયા હતાં. પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.