વડોદરા : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ખનીજ માફિયા બેફામ બની ગયા છે અને ઠેકઠેકાણે ગેરકાયદે ખનન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક કક્ષાએ રજૂઆત આવતા વિજિલન્સે દરોડા પાડયા હતા. પરંતુ વડોદરા જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ભૂમાફિયાઓ પોલીસ કે વિજિલન્સની ટીમ કે પછી સરકારી અધિકારીઓ ઉપર હુમલો કરતાં પણ અચકાતા નથી.
ખાણ ખનીજવિભાગની ટીમ ઉપર હુમલો : સાવલી તાલુકાના ભાદરવા ગામ નજીક પરથમપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના સામે કિનારે ખનીજ વિભાગની રેડ પાડી હતી. ત્યારે ખનીજ માફિયાઓએ ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કર્યો હતો અને અધિકારીની કારના કાચ પણ તોડી નાખી ફરાર થઈ ગયા હતા.જોકે ટીમ દ્વારા સ્થળ ઉપરથી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનામાં ભાગી ગયેલ ઇસમો વિરુદ્ધ એફઆઇઆર સહિતની કામગીરી કરાશે અમને હેડ ઓફિસ દ્વારા કમિશનરે આ લોકેશન આપ્યું હતું અને સુરત ફ્લાઇંગ સ્ક્વોડ અને ખેડા જિલ્લા કચેરી દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે 7 હિટાચી, 7 નાવડી, 12 ડમ્પર જોવા મળેલા. સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતાં ગેરકાયદે ખનન હોવાનું ફલિત થયું હતું. તેવામાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ અને ખેડા જિલ્લાની ટીમ ઉપર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો અને 10 જેટલા ડમ્પરો અને એક હિટાચી લઈને ભાગી ગયા હતા. તમામ વિરુદ્ધ એફઆઈઆર કરી અનઅધિકૃત રેતી ખનન મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવશે....નરેશ જાની (ફ્લાઇંગ સ્કવોડ, સુરત)
સોમવારે ફ્લાઇંગ સ્કવોડે રેડ પાડી હતી : આણંદ - વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાં સોમવારે ફ્લાઇંગ સ્કવોડે રેડ પાડી હતી. મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન વહન થતું હોવાની માહિતીના પગલે આ રેડ કરી રેતી ખનનનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે મહી નદીમાં 24 કલાક બેફામ રેતી ખનન ચાલે છે. ખનીજ માફીઆઓ સ્થાનિકોને ગાંઠતા નથી. વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પરિણામ નથી આવતું તેવો ગ્રામજનોએ આક્ષેપ છે.
ભૂમાફિયાઓનું વધતું જતું જોર : ફ્લાઇંગ સ્કવોડેની રેડ દરમિયાન ખાણ ખનીજની ટીમ ઉપર આ ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરીને 10 જેટલા ડમ્પરો અને એક હીટાચી મશીન લઈને માફિયાઓ ફરાર થઈ ગયા હતા. હાલ અંદાજિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ છે. અધિકારીઓ ઉપર હુમલાના પગલે ભાદરવા પોલીસ પણ આવી હતી.
પરથમપુરા અને જાલમપુરા ગામમાંથી છેલ્લા બે વર્ષથી કરોડોનું રેતી ચોરીનું કૌભાંડ ચાલે છે. સ્થાનિકો પણ કોતરોમાંથી રેતી કાઢે છે અને સરપંચ પણ ચાર ટ્રેક્ટરો રાખે છે. વડોદરા અને ગાંધીનગર સુધી આ અંગે રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. સોમવારે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રેડ કરાઇ ત્યારે 100 જેટલા ડમ્પરો નદીના પટમાં હતા. જીગાભાઈ તેમજ સુરતના લોકો અને ભરવાડોએ આ હુમલો કર્યો છે. ત્યાંથી રેતી ભરીને સીધી ખેડા જિલ્લામાં સપ્લાય થાય છે જેના કારણે ટેક્સ ન ભરવો પડે. આ સદંતર બંધ થવું જોઈએ...ગોરધનભાઈ(સ્થાનિક)
ખનીજ માફિયાઓ સામે કડક પગલાં લેવાય : સ્થાનિક કક્ષાએ ખનન વિભાગના અધિકારીઓ સ્થાનિક ભૂમાફિયાઓ સાથેની મિત્રતાના કારણે વિજિલન્સના અધિકારીઓને તેનો ભોગ બનવું પડ્યું હતું. એટલું જ નહીં પરંતુ સ્થાનિક કક્ષાના અધિકારીઓ કડકાઇથી પોતાની કામગીરી કરે તો આ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જાય તો કોઈ નવાઈ નહીં. આ વિસ્તારના લોકોએ મહીસાગર બચાવોના નામે આવેદનપત્રો પણ આપેલા છે અને સમગ્ર રાજ્યમાં મહીસાગર સતીમાના નામે પૂજાય છે. ત્યારે તેના સૌંદર્યને હણનાર મુઠીભર તત્વો જેર થાય તેવી માંગ ઉઠી છે. ખનીજ માફિયાઓ સામે કડક પગલાં લેવાય તેવી સમગ્ર પંથકના લોકોની માંગ છે.