વડોદરા : દિવસે દિવસે વડોદરા જિલ્લામાં ઠગ ટોળકીઓ સક્રિય બનતી જાય છે અને નવા નવા નુસખા અપનાવી ઠગાઈ કરતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો આજે વડોદરા જિલ્લાના કરજણ ખાતે બહાર આવ્યો હતો. જેમાં રાજકોટના કર્મકાંડ કરી પોતાનું ગુજરાન ચલાવનાર બ્રાહ્મણે 7 ટકા વધુ નાણાં લેવાની લાલચમાં 70 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કર્મકાંડી બ્રાહ્મણને ઠગ ટોળકીએ 500ના દરની ચલણી નોટોના બદલામાં સ્વામિનારાયણ મંદિરમાંથી 10, 50 અને 100ના દરની ચલણી નોટ આપવાની લાલચ આપી 70 લાખ પડાવી લીધા હતા. જે અંગે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણને કોઈ ઠગ ટોળકીએ 70 લાખ રૂપિયા પડાવી લીધાં. જે અંગેની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી છે અને આરોપીઓ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી... એચ. જે. રાઠોડ (પીએસઆઈ, કરજણ પોલીસ સ્ટેશન)
ઠગ ટોળકી સાથે સંપર્ક થયો : જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલા 301, શિવાલય ફ્લેટમાં સુનિલભાઇ રમણીકભાઇ જોષી જેઓ પોતાના પરિવાર સાથે રહે છે. કર્મકાંડનું કામ કરીને ગુજરાન ચલાવે છે. જેઓ પાસે 500ના દરની ચલણી નોટમાં રૂપિયા 70 લાખ મૂડી હતી. તેઓને ભેજાબાજો અનિલ પટેલ, વેકરીયાભાઇ, અનિલભાઇની કારના ડ્રાઇવર અને અન્ય એક કારના ડ્રાઇવરનો સંપર્ક થયો હતો.
લાલચમાં આવી ગયા : રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણ ઠગ ટોળકીના સંપર્કમાં આવ્યા હતા. આ કર્મકાંડી બ્રાહ્મણ સુનિલભાઇ જોષીને કહેવાયું કે 500ના દરની ચલણી નોટો આપો અને તેના બદલામાં 7 ટકા વધારે રૂપિયા 10, 50 અને 100ના બદલામાં સ્વામિનારાયણ મંદિરમાંથી બદલી આપીશું. કર્મકાંડી બ્રાહ્મણ સુનિલ જોષીને લાલચ જાગતા તેઓએ 7 ટકા વધુ નાણાં લેવા માટે તૈયારી બતાવી હતી.
હોટલમાં લઈ જઈ ભોળવી નાખ્યા : આ ઠગ ટોળકીએ તા.17-8-023ના રોજ સુનિલભાઈ જોષીને રૂપિયા 70 રોકડ લઇને પોર પાસેની પેલેસ હોટલમાં બોલાવ્યા હતા. ત્યારબાદ ગ્રામ પંચાયતની ઓફિસ પાસે લઇ ગયા હતા. ત્યારે ઠગ ટોળકીએ તેમની રૂપિયા 500ના દરની ચલણી નોટોમાં રૂપિયા 70 લાખ લઇ લીધા હતાં. સ્વામિનારાયણ મંદિરમાંથી 10, 50 અને 100ના દરની ચલણી નોટો લઇને આવીએ છે તેમ જણાવી છેતરપિંડી કરી રફુચક્કર થઇ ગયા હતા.
કરજણ પોલીસ મથકમાં ફરિયાદ : રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણ સુનિલભાઇ જોષીએ કરજણ પોલીસ મથકમાં ભેજાબાજો અનિલ પટેલ, વેકરીયાભાઇ, અનિલભાઇની કારના ડ્રાઇવર અને અન્ય એક કારના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ઠગ ટોળકી સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.