અમરેલી : ગતરોજ રાજુલાના બાબરીયાધારના એક 25 ફૂટ ઊંડા કૂવામાંથી કોહવાઇ ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ શરુ કરતા ગણતરીની કલાકોમાં સમગ્ર મામલે ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી લીધી હતી. આરોપીએ બાદમાં શું કબૂલાત કરી જોઈએ આ રિપોર્ટમાં...
25 ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યો મૃતદેહ : રાજુલામાં અઢી માસ પહેલા સોનલ કિશનભાઈ ચુડાસમા ગુમ થયાની પોલીસ ફરિયાદ 25 ડિસેમ્બરના રોજ નોંધાયેલ હતી. જે અંગે ગઈકાલે રાજુલા પોલીસ બાબરીયાધાર વિસ્તારમાં તપાસ અર્થે ગઈ હતી. ત્યારે અહીં સીમમા જોલાપરી નદીના કાંઠે સ્થિત 25 ફૂટ ઊંડા કૂવામાં એક કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો હતો.
કોનો હતો આ મૃતદેહ ? પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સમગ્ર મામલાનો ભેદ ખુલ્યો હતો. આ અંગે અમરેલી SP સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ મૃતદેહ સોનલ ચુડાસમા નામની યુવતીના હતા. યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હોવાનું ખુલતા પોલીસ આરોપીની અટકાયત કરી છે.
પ્રેમી સાથે રહેતા મળ્યુ મોત : આ અંગે મળતી વિગત અનુસાર મૃતક સોનલના અગાઉ લગ્ન થયા હતા અને બાદમાં તે રીસામણે હતી. ત્યારે તેને બાબરીયાધારના ભાવેશ રૂખડ પરમાર નામના પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ થયા હતા. જેથી સોનલ માતા-પિતાને છોડી ત્રણ વર્ષથી ભાવેશ સાથે રહેવા જતી રહી હતી. જોકે, પ્રેમીની પ્રથમ પત્ની અને મૃતક વચ્ચે પતિ-પત્ની અને વો ની ભૂમિકામાં માથાકૂટ થતી હતી.
અઢી માસથી ગુમ હતી મહિલા : જોકે, છેલ્લા અઢી માસથી સોનલ ગુમ થઈ હતી. જ્યારે યુવતીની માતાએ તેના પ્રેમીને પુછ્યું તો ભાવેશ પરમારે જવાબ આપ્યો કે, સોનલ હિંડોરણા ગયા બાદ પાછી આવી નથી. આથી યુવતીની માતા સવિતાબેન સોલંકીએ રાજુલા પોલીસને જાણ કરી હતી. લાંબી તપાસ અને કુનેહપૂર્વક પૂછપરછ બાદ ભાવેશે પોલીસ સમક્ષ પ્રેમિકા સોનલની હત્યા કર્યાની કબૂલાત આપી હતી.
આરોપી પ્રેમીએ કર્યો મોટો ખુલાસો : પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થતો હોવાથી પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કરી આરોપી તેને કૂવા પાસે લઈ ગયો હતો. બાદમાં આરોપીએ યુવતીના માથામાં કૂહાડીના ઘા ઝીંકી હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. સાથે જ મૃતકની સાડી સહિતના કપડાં સળગાવી દીધા હતા. કૂવા ઉપર પણ ઝાડી ઝાંખરા નાખી દીધા હતા. અવાવરૂ કૂવો હોવાથી અત્યાર સુધી કોઇને જાણ થઈ નહોતી.
પ્રેમસંબંધમાં કરુણ પરિણામ : મૃતક સોનલના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતા અને દસેક વર્ષ ઘર-સંસાર ચાલતા એક દીકરો અને બે દીકરીના જન્મ થયા હતા. બાદમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થતા બે દીકરીને લઈને મહિલા માવતરે આવી હતી. બાદમાં સોનલને ભાવેશ પરમાર સામે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાવેશ પરણિત હોવા છતાં તેની જોડે રહેવા આવી હતી અને અંતે જીવ ગુમાવ્યો હતો.