વડોદરા : વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વર્ષ 1999માં યોજાયેલ એક કાર્યક્રમમાં ભારતીય નારીનું અપમાન થયું હોવાનું માનીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે આરોપીઓ સામે રાયોટિંગનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આખરે 23 વર્ષ બાદ આ કેસનો અંત આવ્યો છે. જેમાં વડોદરા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ઘટના શું બની હતી : ગાંધીનગર ગૃહ રાયોટિંગ કેસ મામલે વિગતો જોઇએ તો શહેરના ગાંધીનગર ગૃહમાં 99 કોન્ટેન્ટ અને ગ્રુપ ડાન્સનો પ્રોગ્રામ તારીખ 29/09/99ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય નારીનું અપમાન થાય તેવું હોવાનું માનીને નિર્દોષ જાહેર થયેલ આરોપીઓ સહિત બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આશરે 25થી 30 જેટલા લોકોએ એકસાથે મળી પ્રોગ્રામ બંધ કરાવવા માટે આ ગૃહની ઓફિસમાં તોડફોડ કરી હતી. છુટ્ટા પથ્થર મારી કાચ તોડી નાખી ગાંધીનગર ગૃહમાં મિલકતને નુકસાન પહોચાડ્યું હતું. આ કેસમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ સહિત વિવિધ કલમો આધારે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પુરાવાના અભાવે નિર્દોષ : આ કેસની સુનાવણી થતા ફરિયાદ પક્ષ તરફથી ધારાશાસ્ત્રી એચ એમ મોમીન અને આરોપી પક્ષ તરફથી ધારાશાસ્ત્રી એચ. આર. ગુજ્ર્જરે કોર્ટ સમક્ષ સામસામી દલીલો કરી હતી. બંને પક્ષ તરફથી દલીલો અને તમામ પુરાવાની ચકાસણી કર્યા બાદ 18માં એડિશનલ સિનિયર સિવિલ જજ રાકેશકુમાર રમણલાલ મિસ્ત્રી દ્વારા આરોપીઓને પુરાવાના અબાવે નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો.
શંકાનો લાભ : જજ દ્વારા જણાવાયું હતું કે આરોપીઓ અને ફરિયાદી પક્ષના અન્ય સાક્ષીઓ દ્વારા પણ આરોપીઓ બનાવ સમયે હાજર હોય તેવી કોઈ વિગતો સામે આવી નથી. સાથે જ આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા નથી. સાથે તપાસ કરનાર અમલદાર મૌખિક પુરાવાના આધારે અન્ય પુરાવાને સમર્થન વગર ફરિયાદ પક્ષનો કેસ પુરવાર થયેલ હોવાનું માની આરોપીઓને સજા કરી શકાય તેમ નથી. જેથી કરી આ કેસમાં તમામ પાંચે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે તેવો હુકમ જારી કર્યો હતો.
નિર્દોષ છૂટેલા આરોપીઓ : ગાંધીનગર ગૃહ રાયોટિંગ કેસમાં નિર્દોષ છૂટલા આરોપીઓમાં આ ઘટનામાં સામેલ નિરજ અજિતકુમાર જૈન, વિજય ચીમનલાલ ભાવસાર,) નરેન્દ્ર જમનાપ્રસાદ મિશ્રા, ચંદ્રકાન્ત અવચિતરાવ મૌરે, અને પ્રકાશભાઈ દયાનંદભાઈ પટેલ આ તમામ પાંચે આરોપીઓને આ ગુન્હામાં શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓને યોગ્ય પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો.