વડોદરા: સામાન્ય રીતે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક તોડવા પર મેમો ઓનલાઇન તમારા ઘરે આવતો જોયો હશે. પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે રખડતા ઢોરના ટેગને સ્કેન કરી ત્યારબાદ સીસીટીવીના આધારે તે ટેકના માધ્યમથી તેના માલિક સુધી પહોંચી શકાય છે. તો આવો પ્રયોગ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેની ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને આ પ્રથમવાર શરૂ કરાયેલી કામગીરી હેઠળ 9 પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Ahmedabad : રખડતા ઢોરને પકડવા 21 ટીમ, છતાં છુટક છવાયા ઢોર હાથ લાગે
સીસીટીવીની મદદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા અને તેના માલિકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને પદાધિકારીઓ સાથે ઓનલાઇન બેઠક યોજી આ કામગીરી ઝડપી અને અસરકારક બનાવવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને અંકુશમાં લેવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવા પ્રથમવાર સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે.
ઢોરનો 'ઇ મેમો': સામાન્ય રીતે શહેરના વિવિધ ચાર રસ્તાઓ અને મહત્વના સ્થળો પર CCTV કેમેરા લાગેલા હોય છે. જેમાં આપણે અત્યાર સુધી વાહનચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઘરે ઇ-મેમો મળતા જોયા છે. જેમાં કેમેરાની મદદથી જે તે વાહનની નંબર પ્લેટના આધારે મેમો મોકલાય છે. તેમ હવે રખડતા ઢોરના કાનમાં લગાવેલ ટેગને સીસીટીવી દ્વારા ઝૂમ કરી તેના આધારે તેના માલિકો સામે સીધો પોલીસ કેસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો stray cattle : ગોહિલવાડમાં કોનું માલિકીનું આ પશું છે તે હવે ખબર પડી જશે
ઢોરના ટેગ નંબર: વડોદરમાં બદામડીબાગમાં સિટી કંટ્રોલ એન્ડ કમાંડ સેન્ટર આવેલું છે. જ્યાં શહેરમાં લાગેલા CCTV કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવે છે. ત્યાં હવે આવા રખડતા ઢોરનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અને તેને આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તારીખ 18 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યેને 17 મિનિટે ગાજરાવાડી પાણીની ટાંકી પાસે એક કાળા રંગની ગાય ટેગ નંબરના આધારે તેના માલિક મહાવીરભાઇ કનુ રબારી સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેવી જ રીતે આ વિસ્તારમાં જ બ્રાઉન કલરની ગાય ટેગ નંબરના માલિક કનુ લક્ષ્ણભાઇ રબારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારના કુલ 9 કેસ કરવામાં આવ્યા છે.
શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે હવે CCTVનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આ પ્રથમવાર છે કે CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી હેઠળ હાલમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં કુલ 9 પશુમાલિકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. જેમાં વાડીમાં અને ગોરવામાં બે-બે, બાપોદ, ગોત્રી અને નવાપુરામાં એક-એક કેસ દાખલ કરાયો છે.--વિજયકુમાર પંચાલ (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ડબ્બા શાખામાં માર્કેટ સુપ્રિટેન્ડન્ટ)