વડોદરાઃ શહેરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કામે લાગી છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે શહેરના મેયર કેયૂર રોકડિયાની ટીમે છાણી વિસ્તાર ગેરકાયદેસર દબાણ દૂર કરવા પહોંચી હતી. અહીં કેનાલ પાસેના ગેરકાયદેસર દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.
દબાણ શાખાની ટીમ પહોંચી ઘટનાસ્થળેઃ કૉર્પોરેશનની દબાણ શાખાની ટીમ આજે (બુધવારે) છાણી વિસ્તારના કેનાલ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. અહીં અનેક કાચાં પાકા ઝૂંપડાઓ તોડી પાડ્યા હતા. મંદિરની આસપાસ આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરતા પૂજારી પણ રોષે ભરાયા હતા. મંદિર નહીં, પરંતુ પૂજારીનો રૂમ તોડી પાડવાનું કહેતા પૂજારીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
દબાણ શાખાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણઃ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમે મરી જઈશું, પરંતુ પૂજારી રૂમ હટશે નહીં. અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને તો અમારા ઘર તોડી નાખવામાં આવશે તો આત્મવિલોપન કરીશું. આ દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
મહિલા રડતી રહી પણ કંઈ ફરક ન પડ્યોઃ જોકે, બૂલડોઝર આવતાં જ એક મહિલા પોતાના ઘરનું રક્ષણ કરવા બૂલડોઝરની આગળ ઊભી રહી ગઈ હતી. મહિલાએ જણાવ્યું હતું કે, મારા પર બૂલડોઝર ફેરવી દો, પરંતુ મારું ઘર ન તોડો. ત્યારે 2 મહિલા પોલીસ કર્મચારીએ આ સ્થાનિક મહિલાને પોતાના ઘરથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં મહિલા ટસની મસ થઈ ન હતી અને સામે પાલિકાના ટીમ પણ ટસની મસ ન થઇ હતી. અહીં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. હઠે ચડેલી મહિલાએ જીસીબીને પકડી રાખ્યું હતું, પરંતુ પોલીસકર્મીઓએ ભારે મહેનત બાદ મહિલાને પોતાના ઘરથી દૂર કરી અને આખરે તેના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું હતું.
અહીં રોડ બનાવવાની યોજનાઃ ઉલ્લેખનીય છે સ્થાનિકોનું કહેવું છે કે, મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા વિના જ અમારા ઘર તોડી પાડે છે. અમે જઈએ તો પણ ક્યાં જઇએ. અહીં એક મંદિર પણ છે. તેને લઇને પાલિકા શું નિર્ણય કરે છે તે જોવુ રહ્યું. આ અંગે મેયર કેયૂર રોકડિયા જણાવ્યુ હતુ કે અહીંના સ્થાનિકો અને કોર્પોરેટરની માગણીના આધારે પાલિકાએ આજે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ભવિષ્યમાં અહીં 30 મીટરનો રોડ બનાવવાની પણ યોજના છે.