વડોદરાઃ કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કરજણ તાલુકા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. આગામી કરજણ વિધાનસભાની પેટાચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ કરજણ તાલુકા કોંગ્રેસના માળખાને મજબૂત બનાવવા માટે કરજણ ખાતે કોંગ્રેસના નેતાઓએ એક બેઠકનું આયોજન કરાયું હતું. જો કે, કોંગ્રેસની આ બેઠકમાં લોકડાઉનના ઘોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમજ ક્લેકટરના જાહેરનામાનો ભંગ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓએ કરતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
![congress meeting in karjan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7683714_cong.jpg)
આ મિટિંગના પ્રારંભે ભારત-ચીન વચ્ચે સર્જાયેલા તણાવને પગલે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતીય લશ્કરના જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કરજણ તાલુકાના કોંગી આગેવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં હાજરજનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં વડોદરા જિલ્લા સંયોજકોની નિમણૂક કરાઇ હતી. આભારવિધિ સાથે મિટિંગ સંપન્ન થઇ હતી. ત્યારબાદ વડોદરા જિલ્લા સમિતિના અધ્યક્ષ સાગર બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી કરજણ વિધાનસભા ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણી તેમજ જિલ્લા કક્ષાએ કોંગ્રેસનું માળખું મજબૂત બને એ માટે બેઠક આયોજિત કરાઇ હતી. અક્ષય પટેલના રાજીનામાથી કોંગ્રેસને ફેર પડવાનો નથી કરજણ તાલુકો કોંગ્રેસનો ગઢ હતો અને રહેશે એમ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.