રાજકોટ: જિલ્લા સહિત રાજ્યમાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓના વીડિયો ઉતારી લેવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. તેમજ મહિલાઓ કપડા બદલતી હોય ત્યારે ગુપ્ત કેમેરા લગાવીને તેના વીડિયો આરોપીઓ યુટ્યુબ કે ટેલિગ્રામ ચેનલ્સ પર અપલોડ કરીને વેચાણ કર્યાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજકોટમાં તો હદ થઇ જવા પામી હતી. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પીટલમાં સારવાર માટે આવતી મહિલાઓના CCTV વીડિયો યુ ટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વીડિયો અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો: અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે યુ ટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા CCTV વીડિયો જોયા હતા. જેની તપાસ કરવામાં આવતા વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમના હોવાનું ખુલ્યું હતું. ટેલિગ્રામનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ ચાલી રહી હોવાનું જણાઈ આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાયરલ કરવો તે મહિલાની પ્રાઈવસીના ભંગ સમાન હોવાથી અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમ દ્વારા મહિલા પ્રાઈવસી ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી: અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ગુનો નોંધ્યા બાદ રાજકોટ સાયબર ક્રાઈમને જાણ કરી હતી. જેથી ટીમ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં તપાસ અર્થે પહોંચી હતી અને વીડિયોમાં દેખાતો ચેકઅપ રૂમ આ સ્થળનો જ હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ સાયબર ક્રાઈમ ટીમે હોસ્પિટલ ખાતે તપાસ ચલાવીને ડોક્ટર અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોના નિવેદન માટે બોલાવી તપાસ હાથ ધરી હતી.
મહિલા ધારાસભ્ય દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશ: પાયલ મેટરનીટી હોસ્પિટલ વાયરલ CCTV મામલે રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, ખૂબ જ નીચલી માનસિકતા ધરાવનાર વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે. સરકાર દ્વારા આવી હીન માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે કૃત્ય આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવામાં આવશે.
હોસ્પિટલના મુખ્ય ડોક્ટરે શું કહ્યું? : હોસ્પિટલના MD ડો. સંજય દેસાઈએ વિડીયો વાયરલ મામલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાંથી વિડીયો વાયરલ થયો તે દુખદ બાબત છે અને આજે અમારા દર્દીઓને સારવાર નથી આપી શક્યા. તેમને હાલાકી ભોગવવી પડી, તેનું પણ દુ:ખ છે. તેમજ તેઓએ કેટલાક અસામાજિક તત્વોએ CCTV હેક કર્યાનું પણ ઉમેર્યું હતું. જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે અને આવું કૃત્ય કરનાર ઝડપથી પકડાઈ જશે તેમ પણ જણાવ્યું હતું.
CCTV વાયરલ શરમજનક ઘટના : ડો. હેમાંગ વસાવડા
પાયલ મેટરનિટી હોસ્પિટલના CCTV વાયરલ થવા મામલે ડોક્ટર હેમાંગ વસાવડાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ ખૂબ ગંભીર અને શરમજનક ઘટના છે, જે જગ્યાએ મહિલાઓની તપાસ થતી હોય ત્યાં CCTV ન હોવા જોઈએ અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: