- માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વિક્કી સરદારને પીસીબીએ ઉદેપુરથી દબોચી લીધો
- મહિના પહેલા IPL મેચ પર સટ્ટો રમતા પકડાયેલા સટ્ટોડિયાના ફોનમાંથી કાંડ બહાર આવ્યું
- બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો
વડોદરાઃ પોલીસે નોયલના ઘરે દરોડો પાડતાં માર્કશીટ અને સર્ટિફિકેટ મળ્યા હતા. નોયલની પુછપરછમાં જગતગૃપ નામથી સ્ટડી સેન્ટર ચલાવતા જીગર રમેશભાઈ ગોગરા (રહે. સરોજપાર્ક, રિફાઈનરી રોડ)નું નામ ખુલ્યું હતું. પોલીસે જીગરને ત્યાં રેઈડ કરતા તેની પાસેથી પણ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પોલીસે જીગરની ધરપકડ કરતા તેણે ધુલિયાથી દિલીપ મોહિતે બોગસ માર્કશીટનું રેકેટ ચલાવતો હોવાની કબૂલાત કરી હતી.
ગોત્રી કથિત રેપ કેસમાં પકડાયેલા વિજય અગ્રવાલ વિલિયમ કેરી યુનિવર્સીટી સાથે સંકળાયેલો છે
આથી પોલીસે દિલીપને સકંજામાં લઈ તેની પૂછપરછ કરતાં ફતેહગંજના બ્લ્યૂ ડાયમંડ અને ભરૂચના જય કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા રેહાન સિદ્દિકી, કબીર બાદશાહ અને સિરાજ સૈયદ પણ બોગસ માર્કશીટ કાંડમાં સંડોવાયેલા હોવાની હકીકત બહાર આવી હતી. ત્યારબાદ PCBએ ફતેહગંજ પોલીસ મથકે રેહાન, કબીર અને સિરાજ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓની પૂછપરછમાં વિલીયમ કેરી યુનિવર્સિટી સાથે સંકળાયેલો સુખપાલસિંગ ઉર્ફે વિક્કી સરદાર ગુરૂનામસિંગ વાલા (રહે. સવિતાદીપ બંગ્લોઝ, ગોત્રી, મૂળ પંજાબ) જે સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું સપાટી પર આવ્યું હતું.
પોલીસે વિક્કીને દબોચવા તેના ઘરે તથા જેતલપુર બ્રીજ પાસે નિકેતન સોસાયટીમાં આવેલી ઓફિસે દરોડા પાડ્યા હતા, પરંતુ કોઈ સગડ મળ્યા ન હતા. ત્યારબાદ ટેક્નિકલ સોર્સની મદદ લેતા આરોપી વિક્કીનું લોકેશન ઉદેપુર તરફનું મળ્યું હતું. આથી પીસીબીએ ઉદેપુર એસઓજીને જાણ કરી હતી. એસઓજીએ લોકેશનના આધારે એક હોટલમાંથી વિક્કી સરદારને દબોચી લીધો હતો. તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં કથિત રેપ કેસમાં પકડાયેલો વિજય અગ્રવાલ પણ વિલીયમ કેરી યુનિવર્સિટી સાથે સંકળાયેલો છે.