વડોદરા: શહેરના અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. રીક્ષા અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં નાયક પરિવારના 5 લોકોને મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે. જેમાં એક આઠ વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો છે. ઘટના સ્થળે ત્રણ ના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. તમામના મૃતદેહ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કાર બની કાળ: પાદરા ગામના આ નાયક પરિવારના સભ્યો રિક્ષામાં સવાર હતા. તેઓ લગ્ન પ્રસંગેથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિવાર રીક્ષામાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ મૃતકો પાદરાના લોલા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એકમાત્ર આબાદ બચેલ 8 વર્ષીય આર્યન અરવિંદ નાયક ઇજાગ્રસ્ત છે. તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો Surendranagar Car Accident: રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ઈકોનો અકસ્માત, રસ્તા પર રેલમછેલ
કાર ચાલકની શોધખોળ: હાલમાં આ અકસ્માત અંગે પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી આપ્યા છે. આ અકસ્માત સર્જી ફરાર થયેલ કાર ચાલકની શોધખોળ આરંભી છે. આ અકસ્માતમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પોસ્ટમોર્ટમ બાદ કરવામાં આવશે. રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે અકસ્મતાન બનાવ બની રહ્યા છે. જોકે, આ કેસમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓની નનામી એક સાથે ઊઠતા સંબંધીત પરિવારજનોમાં માતમનો માહોલ છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર અકસ્માત થતા લાંબા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.