વડોદરા : તાજેતરમાં જ ડભોઇ-સરિતા ક્રોસિંગ પાસે એક નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર ગતરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક બાઈક સ્પીલ થતા બાઈકચાલક એસટી બસની અડફેટે આવ્યો હતો. અકસ્માતના પગલે બાઈકચાલકનો પગ કપાઈ ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
જીવલેણ અકસ્માત : જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ-સરિતા ફાટક નજીક બ્રિજ પરથી પસાર થઈ રહેલા યુવકની બાઈક સ્લીપ થઈ જતા તે એસટી બસની અડફેટે આવી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યુવકનો પગ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા અને બચાવ કામગીરી આરંભી દીધી હતી. જે પૈકી કોઇ વ્યક્તિએ 108 ને જાણ કરી હતી. જોકે, એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક જેટલો સમય થતાં યુવક રોડ ઉપર તડપતો રહ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ આવી જતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ટ્રાફિક જામ સર્જાયો : મોડી રાત્રે ડભોઇ સરિતા ફાટક પાસેના બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતને પગલે રોડની બંને સાઈડ 2 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. ટ્રાફિક જામ થતા ટોળે વળેલા લોકોએ પોલીસની ભૂમિકા ભજવી હતી. આમ છતાં કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
પોલીસની કાર્યવાહી : આ સમગ્ર બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. જોકે ટ્રાફિક જામના કારણે પોલીસનું પણ સ્થળ પર પહોંચવું મુશ્કેલ થઈ ગયું હતું. અકસ્માતના પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ હતી. ડભોઇ પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત ક્યાંનો રહેવાસી છે તે અંગેની કોઇ માહિતી મળી ન હતી. તેની ઓળખ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા : થોડા દિવસો અગાઉ જ આ બ્રિજને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજ બન્યો ત્યારથી રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા સર્વિસ રોડ પણ કાર્યરત કરવામાં આવ્યો નથી. તેમજ કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવેલા કામ ખરાબ હોય તેમ બ્રિજના રોડ પર ટૂંકા ગાળામાં જ ઉંડા ખાડા પણ પડી ગયાં છે, જેને લઈને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.