વડોદરા 86 વર્ષના રમત વિરાંગના ડો.ભગવતીબેન ઓઝાની ઇલેક્શન આઇકન(Bhagavatiben Ojha selected as election icon) તરીકે પસંદગી કરાઇ છે. વડોદરાના ડો. ભગવતીબેન ઓઝાએ ગુજરાત વિધાનસભાની તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમની તંદુરસ્તી આજેય બરકરાર જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેરના 86 વર્ષના રમત વિરાંગના ડો. ભગવતીબેન ઓઝાની આઇકન તરીકે નિયુક્તિ કરી છે. ડિસ્ટ્રીક્ટ આઇકન તરીકે નિયુક્તિ આપ્યા બાદ કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, તેઓ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે.
સાયકલિંગ સાથે સમાજસેવા વર્ષ 17-1-1936ના રોજ જન્મેલા ડો. ભગવતીબેન ઓઝાએ પોતાનું બાળપણ સૌરાષ્ટ્રના મોરબીમાં વિતાવ્યું છે. ત્યાં જ અભ્યાસ કરી 1961માં તબીબી પ્રેક્ટિસ કરવાનો પરવાનો મેળવ્યો. મોરબીની જનાના હોસ્પિટલમાં 15 વર્ષ અને સાતેક વર્ષ ખાનગી પ્રેક્ટિસ કરી હતી. એ દરમિયાન વર્ષ 1979 માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાના કારણે સર્જાયેલી હોનારત સમયમાં તેમણે દર્દીઓની સારી રીતે સેવા કરી.
સાધનો ટાંચા પૂર્વે પણ ખાસ કરીને મહિલાઓની પ્રસુતી કરવાના કામગીરી સૂપેરે નિભાવી હતી. અને એવા સમયે જ્યારે તબીબી વિજ્ઞાન સમૃદ્ધ નહોતું અને સાધનો પણ ટાંચા હતા. તત્પશ્ચાત વર્ષ 1983માં તેઓ પોતાના ભાઇભાંડુ સાથે વડોદરા સ્થાયી થઇ ગયા. અહીં તેમણે ઓઝા સર્જીકલ હોસ્પિટલની શરૂઆત કરી. તેમના પરિવારના મોટાભાગના સભ્યો તબીબો છે. તેમની આ હોસ્પિટલમાંથી એક પણ સ્ટાફને છૂટા કરવામાં આવ્યા નથી. 1983થી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ આજે પણ કામ કરે છે. ડો. ભગવતીબેન પોતાના વ્યવસાય સાથે રમતગમતના શોખને પણ વિકસાવ્યો હતો. તેઓ સાથે તરણ, સાયકલિંગ સાથે સમાજસેવા પણ શરૂ રાખી.
મેડલ જીત્યા તેમની ઉંમર વધતી ગઇ પણ ધગશ વધતી ગઇ. લાંબા અંતરની સાયકલ યાત્રા, દેશવિદેશની તરણસ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો અને મેડલ જીત્યા. તેમના ઘરનો અડધો કમરો આવા મેડલ અને પ્રમાણપત્રોથી ભરેલો છે. આજે પણ તેઓ સાયકલ ચલાવે છે. તેઓ કહે છે, 60 વર્ષની ઉંમરે વર્ષ 2000માં પૂણાથી બેંગલોર સુધીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. તે બાદ તેમણે સાયકલ જ ચલાવવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પોતાની કાર અને મોપેડ વેંચી નાખ્યું. આટલી ઉંમરે તેઓ આજે પણ સાયકલ ચલાવે છે. મેરેથોન સ્પર્ધામાં પણ ભાગ લે છે.
નાગરિકોને લોકશાહી ગુજરાત રાજ્યના રચના થયા બાદ વિધાનસભાની 1962ની પ્રથમથી આજ સુધીની તમામ ચૂંટણીમાં ભગવતીબેને મતદાન કર્યું છે. મતદાન પ્રક્રીયામાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેઓ કહે છે કે, અમારા જેવા વૃદ્ધો જો મતદાન મથકે જઇ મતદાન કરી શકતા હોય તો તમામ નાગરિકોએ લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લેવો જોઇએ અને મતદાન કરવું જોઇએ.