વડોદરા: પાદરા તાલુકાના વડુ પંથકના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના માત્ર કાગળો ઉપર જ હોય તેમ જણાય આવેલ છે. પાણી માટે કેટલાક પરિવારો વલખાં મારતાં નજરે પડી રહ્યા છે. મહિલાઓ ખરા તાપમાં ઊભા રહી પીવાના પાણી માટે રાહ જુએ છે. જેથી તંત્ર દ્વારા પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ગ્રામજનોની લોકમાંગ પામી છે.
પાણી ભરવા માટે લાંબી લાઈનો: વહેલી સવારથી જ મહિલાઓ પાણી ભરવા માટે કતારમાં વડુ પંથકમાં કેટલાક વિસ્તારોમાં માત્ર એક જ હેડ પંપ હોવાને કારણે મહિલાઓ વહેલી સવારથી જ પીવાનું પાણી ભરવા માટે લાંબી લાઈનમાં ઊભા રહીને પીવાનું પાણી ભરવું પડે છે. સુલતાનપુરા સહિતના અન્ય બે વિસ્તારમાં 400 ઉપરાંત પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. તેના માટે વલખા મારવા પડે છે. હાલ સરકાર દ્વારા નલ સે જલ યોજના માં કરોડો રૂપિયા ખર્ચ કરાયો છે. પરંતુ વહીવટી તંત્રના નકકર આયોજન અભાવના કારણે પ્રજાજનોને તેની સુખાકારી મળતી નથી.
શુદ્ધ પીવાનું પાણી: પ્રવર્તમાન સરકારશ્રી દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પ્રજાજનોની સુખાકારી માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અમલમાં મૂકી છે. જેનો પ્રજાજનોને આનંદ છે. આ જલ યોજનામાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. જેથી પ્રજાજનોને અગવડ ન પડે અને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે. પરંતુ પાદરા તાલુકાના વહીવટી તંત્ર આ યોજના સફળ બનાવી શકયું હોય તેવું જણાઈ આવતું નથી. હાલમાં આ અંગે સ્થળ તપાસ કરતાં પાદરા તાલુકાના ડબકા ગામ ના સુલતાનપુરા વિસ્તારમાં વહેલી સવારથી જ મહિલાઓ પાણી માટે વલખા મારી રહી હોય તેવું નજરે પડ્યું હતું.
નલ સે જલ યોજના: આ વિસ્તારમાં લોકોના ઘરે નળ પણ નથી પહોંચ્યા કે નથી પીવાનું પાણી પહોંચ્યું. આ વિસ્તારના પ્રજાજનોને હેન્ડ પંપ ઉપરથી જ પાણી ભરવું પડે છે. સરકાર ગરીબો અને ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે. પરંતુ આ યોજનાનો અમલ અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ કરતા હોય તેવી અનુભૂતિ આ વિસ્તારના પ્રજાજનોને થઈ રહી છે. કાગળ ઉપર જ નલ સે જલ યોજના પૂર્ણ કરી દેવામાં આવી હોય તેમ નાગરિકોને લાગી રહ્યું છે.
લોકમાંગ ઉભી: સરકારે નલ સે જલ યોજના અમલમાં મૂકી છે. આ જ વિસ્તારમાં 400 ઉપરાંત પરિવારોનાં ઘરે નળ પણ નથી. પહોંચ્યા ત્યારે નળ દ્વારા પીવાનું પાણી મળવાની વાત તો દૂર રહી. સરકારી અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને સમગ્ર વહીવટી તંત્ર આ બાબતે જરૂરી ત્વરિત પગલાં ભરે. જેથી આ વિસ્તારમાં પણ નલ સે જલ યોજનાનો લાભ નાગરિકોને મળે તેવી લોક માંગ ઊભી થવા પામી છે.